
નવીદિલ્હી,
અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણના મુદ્દે લોક્સભામાં હોબાળો થયો છે. કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના લોક્સભા સાંસદો અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષ ભારત-ચીન સરહદ મુદ્દે ચર્ચાની માંગ કરી રહ્યો હતો. બુધવારે પ્રશ્ર્નકાળ પૂરો થતાં, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભારત-ચીન સરહદની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી.

તેમણે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ ૧૯૬૨માં લોક્સભામાં ભારત-ચીન યુદ્ધ પર ચર્ચા કરવાની મંજૂરી આપી હતી. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે ભારત-ચીન સરહદની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી રહ્યા છીએ. ૧૯૬૨માં જ્યારે ભારત-ચીન યુદ્ધ થયું ત્યારે જવાહરલાલ નેહરુએ આ ગૃહમાં ૧૬૫ સાંસદોને બોલવાની તક આપી હતી.
કોંગ્રેસના નેતાની માંગનો જવાબ આપતા લોક્સભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. સ્પીકરે ગૃહની કાર્યવાહી શરૂ કરતાની સાથે જ કોંગ્રેસ અને ટીએમસીએ વિરોધમાં વોકઆઉટ કર્યું અને સરકાર પર ભારત-ચીન સરહદ મુદ્દે ચર્ચાની મંજૂરી ન આપવાનો આરોપ લગાવ્યો. ટીએમસીના સભ્ય સુદીપ બંધોપાધ્યાયે પણ ગૃહમાં ચર્ચાની માંગ ઉઠાવી અને કહ્યું કે તેમની પાર્ટીના સભ્યો સરકારના વલણના વિરોધમાં વોકઆઉટ કરી રહ્યા છે.
દિવસની શરૂઆતમાં વિપક્ષી સભ્યોએ વિવિધ મુદ્દાઓના વિરોધમાં લોક્સભામાંથી વોકઆઉટ કર્યું હતું. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસ અને ડીએમકેના સભ્યો કેટલાક મુદ્દા ઉઠાવવા માંગતા હતા. સ્પીકરે વિરોધ કરી રહેલા સભ્યોને કહ્યું કે પ્રશ્ર્નકાળ મહત્વપૂર્ણ છે અને તે તેમના માટે છે. જો કે, તેમણે વિવિધ મુદ્દાઓ ઉઠાવવાની માંગ કરી હતી. આ પછી કોંગ્રેસ, ડીએમકે, એનસીપી અને નેશનલ કોન્ફરન્સ સહિત અન્ય પક્ષોના સભ્યોએ પ્રશ્ર્નકાળ દરમિયાન ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કેટલાક તો ’નહી ચલેગા’ એમ નારા અને બૂમો પાડતા બહાર નીકળ્યા હતા. તેમાંથી કેટલાક સભ્યો થોડા સમય બાદ ગૃહમાં પરત ફર્યા હતા.