ત્રણ વર્ષમાં નવ કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં કહ્યું

નવીદિલ્હી,

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં એક મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ૨૦૨૦ થી ૨૦૨૨ સુધીના છેલ્લા ત્રણ વર્ષો દરમિયાન ખીણમાં માર્યા ગયેલા કાશ્મીરી પંડિતોની કુલ સંખ્યા નવ છે, જેમાં કાશ્મીરી રાજપૂત સમુદાયના એક વ્યક્તિનો સમાવેશ થાય છે. આ સિવાય બીજી માહિતી આપતાં ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે ૨ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ કોઈમ્બતુર બ્લાસ્ટ કેસ સહિત ૪૯૭ કેસ નોંધ્યા છે.

બીજી મહત્વની વિગત આપતા નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે ગયા વર્ષે કેરળના બંદરો પરથી રૂ. ૧,૨૭૪ કરોડની કિંમતનું ૬૩૭ કિલો હેરોઈન જપ્ત કર્યું હતું અને આ સંબંધમાં ૧૧ વિદેશીઓની ધરપકડ કરી હતી.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે બુધવારે કહ્યું કે તેલંગાણા અને મેઘાલય સહિત નવ રાજ્યોએ અમુક ગુનાઓની તપાસ માટે કેન્દ્રીય તપાસ બ્યુરોને આપવામાં આવેલી સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધી છે. દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૬ની કલમ ૬ મુજબ, સીબીઆઇને તેના અધિકારક્ષેત્રમાં તપાસ કરવા માટે સંબંધિત રાજ્ય સરકારોની સંમતિની જરૂર છે, એમ તેમણે લોક્સભામાં એક લેખિત પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું હતું.