- છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતનો સત્તાધારી પક્ષ ભાજપને ૫૧% મહિલાઓ મતદારોનું સમર્થન મળ્યુ હતુ જ્યારે ૫૪% પુરુષ મતદારોનું સમર્થન મળ્યું હતું.
ગાંધીનગર,
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ ભાજપે આસાનીથી જીતી લીધી. રેકોર્ડ બ્રેક જીત સાથે ભૂપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ પણ ગ્રહણ કરી લીધા. ચૂંટણી પહેલાં ચર્ચાઓ થતી હતી કે એન્ટી ઈન્ક્રમબન્સી, ભાજપમાં અંદરખાને નારાજગી, આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ભાજપને નુક્સાન થશે પરંતુ ચૂંટણી પરિણામ તદ્દન ઉલટું આવ્યું અને ઐતિહાસિક જીત સાથે ભૂપેન્દ્ર પટેલે ફરી ગુજરાત જીતી લીધું.ભાજપની સુનામી સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન ના કરી શકી, પરંતુ કોંગ્રેસ અને ભાજપ માટે ગ્રામીણ અને શહેરી સમર્થનનું વલણ આ ચૂંટણીઓમાં પણ જોવા મળ્યું હતું. નબળાં પરફોર્મન્સ છતાં કોંગ્રેસ શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં વધુ મત મેળવવામાં સફળ રહી. નોંધનીય છે આમ આદમી પાર્ટી શહેરી મતદારોને જ આકર્ષી શકશે તેવી માન્યતા હતી, જો કે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં એક સમાન મત મેળવી આ ભ્રમ તોડી નાખ્યો. આમ આદમી પાર્ટીનો વોટ શેર ૧૩% કરતાં ઓછો હતો છતાં તેનો આધાર વધુ-ઓછા પ્રમાણમાં સમાનરૂપે ફેલાયેલો છે. આમ આદમી પાર્ટીને ગ્રામીણ વિસ્તારોમાં ૧૩.૨% મત મળ્યા જ્યારે શહેરી વિસ્તારોમાં ૧૨.૭% મત મળ્યા હતા. એજ રીતે કોંગ્રેસ ગ્રામીણ વિસ્તારોમાં ભાજપથી ૧૭% પાછળ છે, પરંતુ શહેરી વિસ્તારોમાં ભાજપનો વોટશેર કોંગ્રેસના વોટશેર કરતા બમણો છે. શહેરી વિધાનસભા બેઠકો પર ભાજપ ૫૮.૨% મત મેળવવા સફળ રહી જ્યારે કોંગ્રેસ માંડ ૨૩.૯% વોટ મેળવી શકી. સ્પષ્ટપણે, માત્ર ભાજપે નોંધપાત્ર જીત જ નોંધાવી ન હતી, પરંતુ તેણે ગુજરાતના શહેરી મતદારોમાં તેનું વિશાળ વર્ચસ્વ ચાલુ રાખ્યું હતું.
લોકનીતિ સીએસડીએસના ચૂંટણી પછીના સર્વેમાં જાણવા મળેલી માહિતી મુજબ છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતનો સત્તાધારી પક્ષ ભાજપને ૫૧% મહિલાઓ મતદારોનું સમર્થન મળ્યુ હતુ જ્યારે ૫૪% પુરુષ મતદારોનું સમર્થન મળ્યું હતું, આમ ભાજપને ૩% લિંગ ગેરલાભ જોવા મળ્યો. ભાજપને તેના એકંદર વોટ શેરની સરખામણીએ મહિલાઓ તરફથી નજીવો ઓછો ટેકો મળ્યો હતો. આમ, ભાજપની જીતમાં પુરુષોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. બીજી તરફ કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને પુરુષ કરતાં મહિલાઓનું ૩% વધારે સમર્થન મળ્યું છે. આ ઉપરાંત તેના એકંદર વોટશેરની સરખામણીએ ગઠબંધનને મહિલાઓ દ્વારા ૨% વધુ ટેકો મળ્યો. જો કે આમ આદમી પાર્ટીએ લિંગના આધારે કોઈ નોંધપાત્ર ભિન્નતા નોંધાવી ન હતી અને પક્ષને સ્ત્રી-પુરુષ દ્વારા સમાન સમર્થન મળ્યું. ૨૦૧૭ની સરખામણીએ ભાજપના પ્રદર્શનમાં પુરુષ મતદારોના ટેકાના કારણે સુધારો આવ્યો, ૨૦૨૨માં ૬% વધુ પુરુષોએ ભાજપને ટેકો આપ્યો હતો. જ્યારે કોંગ્રેસ-એનસીપીમાં ૨૦૧૭ પછી પુરુષ સમર્થનમાં ઘટાડો નોંધાયો હતો. કોંગ્રેસને પુરુષ સમર્થન ૧૭% ઘટ્યું. ૨૦૨૨ ની ગુજરાતની ચૂંટણીમાં, તમામ પક્ષોએ મહિલા મતદારોને જીતવાની કોશિશ કરી અને મહિલા સુરક્ષા મેનિફેસ્ટોમાં સામાન્ય ચર્ચાનો મુદ્દો બની ગયો. જ્યારે કોંગ્રેસ અને છછઁએ મહિલાઓના ઘરના ખર્ચને અસર કરતી વધતી મોંઘવારી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, ત્યારે ભાજપે તેના મહિલા મોરચા દ્વારા સમગ્ર મતવિસ્તારમાં ’સંવાદ સંકલ્પ’ અને ’સત્યનારાયણ કથાઓ’નું આયોજન કરીને રાજ્યના ૨,૩૭,૫૧,૭૩૮ મહિલા મતદારો સુધી પહોંચ્યું હતું.