બેંગ્લુરુ,
દિલ્હીના શ્રદ્ધા વોલ્કર હત્યા કેસએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે ત્યારે હવે આ જ પ્રકારનો અન્ય એક હત્યાકાંડ કર્ણાટકમાં પણ સામે આવ્યો છે. કર્ણાટકમાં પોતાના જ પિતાની પુત્રએ હત્યા કરી નાખી હતી અને બાદમાં તેના શરીરના ૩૦ ટુકડા કરી નાખ્યા હતા, જેમ આફતાબે પોતાની જ ગર્લફ્રેન્ડ શ્રદ્ધાના ૩૫ ટુકડા કરીને તેના મૃતદેહને રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો તે જ સ્ટાઇલમાં કર્ણાટકના આ નરાધમ પુત્રએ પોતાના પિતાની હત્યા કરીને તેના શરીરના ટુકડાઓને એક બોરવેલમાં ફેંકી દીધા હતા.
કાળજુ કંપાવી નાખતો આ હત્યાકાંડ કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં સામે આવ્યો છે. અહીના મુધોલ વિસ્તારમાં રહેતા પિતા અને પુત્ર વચ્ચે વિવાદ ચાલતો હતો, ગુસ્સામાં પિતા પર હુમલો કર્યો અને તેની હત્યા કરી નાખી હતી. હત્યારા પુત્રની ઉંમર માત્ર ૨૦ વર્ષની જ છે. પોલીસે આરોપી પુત્ર વિઠ્ઠલની ધરપકડ કરી લીધી છે. વિઠ્ઠલે હત્યા કેમ કરી તેનું કારણ જણાવતા કહ્યું હતું કે મારા પિતા પરશુરામ નશો કરવાની ટેવ ધરાવતા હતા, તેઓ દારુનો નશો કરીને આવતા હતા અને મારી સાથે ખુબ જ મારપીટ કરતા હતા.
૬ ડિસેમ્બરે પણ આ જ પ્રકારની ઘટના બની હતી, પિતા પરશુરામ દારુનો નશો કરીને ઘરે આવ્યા હતા અને પુત્ર વિઠ્ઠલ પર હુમલો કરી દીધો હતો. તેને બહુ માર પણ માર્યો હતો, પરીણામે બાદમાં વિઠ્ઠલ ગુસ્સે ભરાયો હતો અને તેણે પણ એક સળીયા વડે પિતા પર હુમલો કરી દીધો હતો, પિતાને વધુ માર મારતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. બાદમાં વિઠ્ઠલે હત્યાને છૂપાવવા માટે પિતાના શરીરના ૩૦ જેટલા ટુકડા કરી નાખ્યા હતા અને તેને પોતાના ખેતરમાં આવેલા એક બોરવેલમાં ફેંકી દીધા હતા. પરિવારના અન્ય લોકોએ આ મામલે પોલીસને જાણ કરી અને પિતાની શોધખોળ શરૂ થઇ હતી, વિઠ્ઠલ પર શંકા જતા તેની આકરી રીતે પૂછપરછ કરતા તેણે ગૂનો કબુલી લીધો હતો.