દિલ્હીમાં યુવકે વિદ્યાર્થીની પર એસિડ ફેંક્યું,૧૭ વર્ષીય સગીરા નાની બહેન સાથે જઈ રહી રહી

નવીદિલ્હી,

દિલ્હીના દ્વારકામાં એક છોકરાએ એક શાળાની વિદ્યાર્થીની પર એસિડ વડે હુમલો કર્યો.એક રિપોર્ટ અનુસાર, આ ઘટના આજે સવારે ૯ વાગ્યાની આસપાસ બની હતી. આ પછી બાળકીને સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. પોલીસને સવારે ૯ વાગે મોહન ગાર્ડન પાસે વિદ્યાર્થીની પર એસિડ ફેંકવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીની ઉંમર ૧૭ વર્ષ છે. તે તેની નાની બહેન સાથે ઊભી હતી. ત્યારે બાઇક સવાર બે યુવકોએ તેના પર એસિડ ફેંક્યું હતું. વિદ્યાર્થીનીએ બે છોકરાઓ પર શંકા વ્યક્ત કરી છે. આ કેસમાં પોલીસે એક શકમંદની અટકાયત કરી છે.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે બે યુવકો બાઇક પર આવે છે અને વિદ્યાર્થીની પર એસિડ ફેંકે છે. બંને યુવકોએ મોઢા ઢાંકેલા હતા. આ પછી બંને બાઇક પર ફરાર થઇ ગયા હતા. પોલીસ આ યુવકની શોધખોળ કરી રહી છે.

છોકરીના પિતાએ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, દીકરી હાલત ગંભીર છે. તેમણે કહ્યું, ’મારી દીકરીઓ એક સાથે ઘરથી બહાર નીકળી હતી. એસિડ ફેંકનારા બંને આરોપીઓના મોઢા ઢાંકેલા હતા.’ અત્યારે સફદરગંજ હોસ્પિટલમાં પીડિતાની સારવાર ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે સવારે આ ઘટના અંગેની જાણકારી મળી હતી. પીડિતાની બહેને બે પરિચિતો પર શંકા વ્યક્ત કરી છે. પોલીસે તેમાંથી એકની ધરપકડ કરી છે અને બીજાની શોધખોળ હાથ ધરી છે.

ઘટનાની માહિતી મળતાં જ દિલ્હી મહિલા આયોગ એ પોલીસને નોટિસ પાઠવી છે. ચીફ સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું કે પીડિતાની મદદ માટે એક ટીમ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. એસિડને લઈને સરકારોના નબળા વલણ પર સવાલ ઉઠાવતા માલીવાલે કહ્યું કે ’દેશમાં એસિડ પર પ્રતિબંધ મૂકવા માટે પાંચ વર્ષોથી લડત ચલાવી રહી છે. સરકારો ક્યારે જાગશે?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટના વિશે કહ્યું કે આ બિલકુલ સહન કરી શકાય નહીં. ગુનેગારોને આટલી હિંમત કેવી રીતે આવી? ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ. દિલ્હીમાં દરેક બાળકીની સુરક્ષા અમારા માટે મહત્વપૂર્ણ છે.