નવીદિલ્હી,
વર્ષ ૨૦૧૪માં પ્રથમવાર નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદે શપથ લીધા હતા ને કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી. વડાપ્રધાન પદે શપથ લીધા બાદ સરકાર દ્વારા પ્રજાના વિકાસ સિવાયના મુદ્દે કરાતા ખર્ચ પર કાતર મુકવા આદેશો છૂટ્યા હતા.
હવે કાતર અખબાર અને ઇલેક્ટ્રોનિક મીડિયાની જાહેરખબરમાં પણ મુકાઈ ગઈ છે. વર્ષ ૨૦૧૪માં અખબાર અને ઇલેક્ટ્રોનિક ચેનલને અપાતી સરકારી જાહેરાતમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં ૮૦% કાતર મૂકી દેવામાં આવી છે. જાહેરખબરો પર ફળી વળેલી કાતર ચોક્કસ ટીવી ચેનલ અને સમાચાર પત્રો માટે માઠા સમાચાર છે પરંતુ દેશના લોકો માટે સમાચાર ગણી શકાય છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે સંસદમાં આપેલા જવાબમાં સરકાર પ્રિન્ટ અને ટીવી જાહેરાતો પર સાત વર્ષ પહેલાં જે કંઈ કરતી હતી તેના અડધા કરતાં પણ ઓછો ખર્ચ કરી રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે વિદેશી મીડિયાને અગાઉ આપવામાં આવતી જાહેરખબરો પર સંપુર્ણ રોક લગાવી દીધી છે.
મંત્રાલયે જાહેર કર્યું કે ૨૦૧૪-૧૫ માં સરકારે પ્રિન્ટ અને ટીવી ચેનલોની જાહેરાતો પર અનુક્રમે રૂ. ૪૨૪.૮૪ કરોડ અને રૂ. ૪૭૩.૬૭ કરોડ ખર્ચ્યા હતા, જ્યારે બીજા જ વર્ષે સરકારે રૂ. ૫૦૮.૨૨ કરોડ અને રૂ. ૫૩૧.૬૦ કરોડ ખર્ચ્યા હતા. વર્ષ ૨૦૧૬-૧૭ માં પ્રિન્ટ જાહેરાતો પર આશરે રૂ. ૪૬૮.૫૩ કરોડ અને ટીવીમાં રૂ. ૬૦૯.૧૫ કરોડનો ખર્ચ કર્યો હતો, જે આગલા વર્ષે વધીને રૂ. ૬૩૬.૦૯ કરોડ અને રૂ. ૪૬૮.૯૨ કરોડ થયો હતો. તે ૨૦૧૮-૧૯માં ઘટીને રૂ. ૪૨૯.૫૪ કરોડ અને રૂ. ૫૧૪.૨૮ કરોડ થઈ હતી. વર્ષ ૨૦૧૯-૨૦માં ખર્ચ ઘટીને રૂ. ૨૯૫.૦૫ કરોડ અને રૂ. ૩૧૭.૧૧ કરોડ થઈ ગયો હતો.
વર્ષ ૨૦૨૦-૨૧ માં સરકારે પ્રિન્ટ જાહેરાતો પર લગભગ રૂ.૧૯૭.૪૯ કરોડ અને ટીવી માટે રૂ. ૧૬૭.૯૮ કરોડનો ખર્ચ કર્યો હતો તે વર્ષોમાં કોવિડમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ગયા વર્ષે તે રૂ. ૧૭૯.૦૪ કરોડ અને રજ. ૧૦૧.૨૪ કરોડે પહોંચી ગયો હતો. સરકારે આ વર્ષે ડિસેમ્બર સુધી પ્રિન્ટ અને ટીવી જાહેરાતો પાછળ અનુક્રમે રૂ. ૯૧.૯૬ કરોડ અને રૂ. ૭૬.૮૪ કરોડ ખર્ચ્યા છે. તમામ ખર્ચ સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન દ્વારા કરવામાં આવ્યો છે.