દાહોદ જીલ્લામાં બાઈક ચોર સક્રિય થતાં વાહન ધારકોને ઉજાગર કરવાનો વારો આવ્યો

દાહોદ,

દાહોદ જિલ્લામાં સક્રીય બનેલ બાઈક ચોર ટોળકીઓ પોતાનો કસબ અજમાવી પોતાના એક પછી એક કામને સફળતા પૂર્વક અંજામ આપી પોલીસ તંત્રની ઉંઘ હરામ કરી રહી છે. ત્યારે સાથે સાથે ટુ વ્હીલ વાહન છારકોને રાત્રીના ઉજાગરા કરવા મજબુર કરી રહી છે. તેવા સમયે દાહોદ જિલ્લામાં બાઈક ચોરીની ત્રણ જેટલી ફરિયાદો જે તે પોલીસ ચોપડે નોંધાયાનું જાણવા મળ્યું છે.

દાહોદ જિલ્લામાં બાઈક ચોરીના બનેલા ત્રણ બનાવો પૈકીનો એક બનાવ દાહોદ તાલુકાના મોટી ખરજ ગામના તળાવ ફળિયામાં ગત તા. 4-12-2022ના રોજ રાતના સમયે બનવા પામ્યો હતો. જેમાં મોટી ખરજ ગામના તળાવ ફળિયામાં રહેતા કમલેશભાઈ રતનાભાઈ સંગાડીયાની તેના ઘરના આંગણામાં લોક મારી પાર્ક કરેલ રૂા. 20,000ની કિંમતની વર્ષ 2021ના મોડલની લાલ તથા કાળા કલરની જીજે-20 એ.એસ-8444 નંબરની સીડી ડીલક્ષ મોટર સાયકલ કોઈ બાઈક ચોરો ચોરીને લઈ ગયો હતો. આ સંબંધે મોટી ખરજ ગામના તળાવ ફળિયાના કમલેસભાઈ રતનાભાઈ સંગાડીયાની ફરિયાદને આધારે દાહોદ તાલુકા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. જિલ્લામાં બાઈક ચોરીનો બીજો બનાવ જેસાવાડા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ગરબાડા તાલુકાના માતવા ગામે રાતના સમયે બનવા પામ્યો હતો. જેમાં માતવા ગામે હોળી ફળિયામાં રહેતા વિજયકુમાર રાજુભાઈ ભુરાભાઈ ની તેમના ઘર આગળ સ્ટેરીંગ લોક મારી પાર્ક કરેલ રૂા. 20,000ની કિંમતની જીજે20 એ.ડી-7541 નંબરની મોટર સાયકલ બાઈક ચોર ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે માતવા હોળી ફળિયામાં રહેતા વિજયકુમાર રાજુભાઈ ભુરાએ નોંધાવેલ ફરિયાદને આધારે જેસાવાડા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. જ્યારે બાઈક ચોરીનો ત્રીજો બનાવ જેસાવાડા પોલીસે મથક વિસ્તારમાં આવેલ બાવકા ગામે પટેલ ફળિયામાં ગત તા. 17- 11-2022ના રોજ રાત્રીના સમયે બનવા પામ્યો હતો. જેમાં બાવકા પટેલ ફળિયામાં રહેતા સુરેશભાઈ ધનાભાઈ પરમારની પોતાના ઘરના આંગણામાં લોક મારી પાર્ક કરેલ રૂા. 20,000ની કિંમતની જીજે-20 એલ-3367 નંબરની મોટર સાયકલનું લોક તોડી બાઈક ચોર મોટર સાયકલ ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે બાવકા ગામના પટેલ ફળિયામાં રહેતા સુરેશભાઈ ધનાભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદને આધારે જેસવાડા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.