કાલોલની વૈભવ લક્ષ્મી સોસાયટીના બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા : પોલીસ પોઈન્ટની માંગ

કાલોલ,

કાલોલના બોરૂ ટર્નિંગ પાસે હાઈવે ઉપર આવેલી વૈભવ લક્ષ્મી સોસાયટીમાં બુધવારે વહેલી સવારે ત્રણ થી ચારના ગાળામાં સોસાયટીના ત્રણ જેટલા બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. તેમાંથી બે મકાનોના તાળા તોડવામાં તસ્કરો સફળ થયા હતા. દરવાજાના નકુચા તેમજ તિજોરી અત્યાધુનિક કટરો દ્વારા તોડી હોવાનું જણાતું હતું. તસ્કરોએ બે મકાનોની તિજોરી તેમજ પેટી પલંગનો સરસ સામાન વેરવિખેર કરી દીધો હતો. સ્થાનિક નાગરિકોએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ મકાન માલિકો કાલોલ બહાર રહેતા હોવાથી હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવા પામી નથી કે ચોરી અંગેની કોઇ વિગતો બહાર આવી નથી. સ્થાનિક સોસાયટીના રહીશો સાથે વાતચીત કરતા દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરતી કોઈ ચોક્કસ ટોળકી હોવાની શંકા સ્થાનિકોએ દર્શાવી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં કાલોલ પોલીસ સ્ટેશનનો કાયમી રાત્રી પેટ્રોલીંગ પોઇન્ટ મૂકવાની પણ સોસાયટીના નાગરિકોએ માંગ કરી છે.