નવીદિલ્હી,
સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ આમ આદમી પાર્ટી ના મંત્રી સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર વિચાર કરવાની ના પાડી દીધી હતી. આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેમની જામીન અરજી પર વહેલી તકે સુનાવણીના આદેશ આપવામાં આવે. દિલ્હી હાઇ કોર્ટે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) પાસે સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને ફટકાર લગાવતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટ હાઇ કોર્ટનું રોસ્ટર નક્કી કરવા માટે નથી.
સત્યેન્દ્ર જૈન તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ એડવોકેટ રાહુલ મેહરાએ કહ્યું કે, દિલ્હી હાઇ કોર્ટને આ કેસમાં જલદી સુનાવણી કરવા કહેવામાં આવે, કેમ કે રજાઓ શરૂ થવાની છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે દિલ્હી હાઇ કોર્ટને અનુરોધ કરી શકો છો. તમે સીધા સુપ્રીમ કોર્ટ આવતા રહ્યા કેમ કે તમે અહીં આવવાનો ખર્ચ ઉઠાવી શકો છો. અમે અહીં હાઇ કોર્ટનું રોસ્ટર તૈયાર કરવા માટે નથી. સત્યેન્દ્ર જૈનની અરજી પર જસ્ટિસ એમ.આર. શાહ અને એસ. રવીન્દ્રની બેન્ચ સુનાવણી કરી રહી હતી.
જસ્ટિસ ભટે કોર્ટમાં પેન્ડિંગ જામીનના કેસો પર ચિંતા વ્યક્ત કરી. ઈડ્ઢ તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, જેલ સુધી તો બરાબર છે, પરંતુ દરેક જગ્યાએ સત્યેન્દ્ર જૈનને વિશેષ સુવિધા નહીં આપી શકાય. એવા ઘણા લોકો છે જે જેલમાં છે અને વહેલી તકે બહાર આવવા માગે છે, પરંતુ બધા લોકો સુપ્રીમ કોર્ટમાં આવી શક્તા નથી. સત્યેન્દ્ર જૈનની જામીન અરજીને ટ્રાયલ કોર્ટે પણ ફગાવી દીધી હતી. ટ્રાયલ કોર્ટે કહ્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ એવું જાણવા મળે છે કે, સત્યેન્દ્ર જૈને કોલકાતાના ઓપરેટરોને પૈસા આપ્યા અને ત્યારબાદ આ કેશને શેરોના વેચાણ દ્વારા ૩ કંપનીમાં લાવવામાં આવ્યા.
જેના દ્વારા એ દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે, ત્રણેય કંપનીઓની આવક બેદાગ છે. આ પ્રક્રિયા દ્વારા ૪.૬૧ કરોડ રૂપિયાની લોન્ડ્રિંગ કરવામાં આવી. એ સિવાય JJ Idea Estate Pvt Ltd નામની કંપની દ્વારા પણ આ પ્રકારનો ગુનો કરવામાં આવ્યો છે. આ કેસમાં ઈડ્ઢએ મની લોન્ડ્રિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. સત્યેન્દ્ર જૈન પર આ એફઆઇઆર ભ્રષ્ટાચાર વિરોધી કલમો હેઠળ વર્ષ ૨૦૧૭માં નોંધવામાં આવી હતી. સત્યેન્દ્ર જૈન પર આરોપ છે કે, ૪ કંપનીઓ દ્વારા સત્યેન્દ્ર જૈને મની લોન્ડ્રિંગ કરી હતી. આ કેસમાં હાઇ કોર્ટ દ્વારા આગામી સુનાવણી ૨૦ ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.