પાક.સાથે સંબંધો બધા જાણે પરંતુ ચીન સાથે પણ આપણે સારા સંબંધો સ્થાપિત કરી શક્યા નથી: ઓમર અબ્દુલ્લા

  • અબ્દુલ્લાએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિવેદનને યાદ કર્યું.

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તવાંગ અથડામણ મામલે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે અમારા પડોશીઓ સાથે સારા સંબંધો જાળવી શક્તા નથી. પાકિસ્તાન સાથેના આપણા સંબંધો વિશે બધા જાણે છે પરંતુ ચીન સાથે પણ આપણે સારા સંબંધો સ્થાપિત કરી શક્યા નથી. આ દરમિયાન ઓમર અબ્દુલ્લાએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિવેદનને યાદ કર્યું.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે પૂર્વ પીએમ સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે મિત્રો બદલી શકાય છે પરંતુ પડોશી બદલી શકાતા નથી. અમે અમારા પડોશીઓને બદલી શક્તા નથી પરંતુ અમે તેમની સાથે વધુ સારા સંબંધો બનાવી શકીએ છીએ. ચીનની પણ જવાબદારી છે કે તે આપણી સાથે સારા સંબંધો બાંધે અને સરહદો પરના આ ઘૂસણખોરી અટકાવે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને લોક્સભામાં નિવેદન આપ્યું હતું. રાજનાથે કહ્યું- ૯ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ પીએલએ ટુકડીઓએ તવાંગમાં એલએસીનું ઉલ્લંઘન કર્યું અને નિયમો તોડ્યા. ભારતીય સેનાએ પીએલએને અતિક્રમણ કરતાં અટકાવ્યું. તેને પોતાની પોસ્ટ પર જવાની ફરજ પડી હતી.

રક્ષામંત્રીએ કહ્યું હતું કે આ ઘટનામાં બંને દેશના કેટલાક સૈનિકો પણ ઘાયલ થયા છે. આપણા સૈનિકોમાંથી એકપણ મૃત્યુ પામ્યો નથી કે ગંભીર રીતે ઘાયલ થયો નથી. આપણે સમયસર પગલાં લીધા, જેને કારણે ચીની સૈનિકો ભાગ્યા હતા.. આ પછી સ્થાનિક કમાન્ડરે વ્યવસ્થા હેઠળ ૧૧ ડિસેમ્બરે ચીની કાઉન્ટર પાર્ટ સાથે લેગ મીટિંગ કરી. ચીનને આવી કાર્યવાહી માટે મનાઈ કરવામાં આવી હતી અને શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે ૯ ડિસેમ્બરે તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આમાં બંને પક્ષના કેટલાક સૈનિકો સહેજ ઘાયલ થયા હતા. આ પછી તરત જ બંને પક્ષો પોતપોતાની સ્થિતિ પર પાછા ફર્યા. બંને દેશોના એરિયા કમાન્ડરોએ લેગ મીટિંગ કરી અને સરહદ પર શાંતિ જાળવી રાખવા અંગે ચર્ચા કરી.