કલમ ૩૭૦ હટાવ્યા બાદ ઘૂસણખોરીના કેસમાં લગભગ ૭૫ ટકાનો ઘટાડો થયો છે : કેન્દ્ર સરકાર

શ્રીનગર,

ભારત સરકાર જમ્મુ-કાશ્મીરમાં શાંતિ પુન:સ્થાપિત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. અહીં સેના પાસે સીમા પાર પ્રાયોજિત આતંકનો સામનો કરવાનો મોટો પડકાર છે. સરહદ પારથી કાશ્મીરને અસ્થિર કરવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. પાકિસ્તાનની આઇએસઆઇ સતત ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘૂસણખોરીના કેસમાં ઘટાડો થયો છે. ૨૦૧૯ થી ઘૂસણખોરીના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, દેશમાં ઘૂસણખોરીના કેસમાં ઘટાડો થયો છે. રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં જવાબ આપતાં આ વાત કહી છે. તેણે છેલ્લા ૧ વર્ષમાં એટલે કે જાન્યુઆરી ૨૦૨૧થી ડિસેમ્બર ૨૦૨૧ સુધીની ઘૂસણખોરીની વિગતો પણ આપી. કહેવામાં આવ્યું છે કે, છેલ્લા ૧ વર્ષમાં સરહદ પર ઘૂસણખોરીના કુલ ૩૪ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા ૧ વર્ષમાં સરહદ પર સેના દ્વારા ૧૨ ઘૂસણખોરો માર્યા ગયા હતા.

નોંધપાત્ર રીતે, ૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ, જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવામાં આવી હતી. ત્યારથી, સરકાર ત્યાંના નાગરિકોને વધુ સારી સુવિધાઓ આપવા માટે સતત કામ કરી રહી છે. ખીણમાંથી કલમ ૩૭૦ હટાવ્યા પછી, ત્યાં આતંકવાદમાં ઘટાડો થયો છે, સાથે જ ઘૂસણખોરીના મામલાઓમાં ૨૦૧૯ની સરખામણીમાં લગભગ ૭૫ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૧૯માં ઘૂસણખોરીના કુલ ૧૩૮ કેસ સામે આવ્યા હતા, જ્યારે ૨૦૨૧માં ૩૪ કેસ સામે આવ્યા છે. આ રીતે કલમ ૩૭૦ હટાવ્યા બાદ ઘૂસણખોરીના મામલામાં ઝડપથી ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે ૨૦૧૯માં જ્યાં ઘૂસણખોરીના ૧૩૮ મામલા સામે આવ્યા હતા. જ્યારે ૨૦૨૦માં ૫૧ કેસ અને હવે ૨૦૨૧માં કુલ ૩૪ કેસ નોંધાયા છે.