પાકિસ્તાન ખેલાડીઓ એક યુનિટ તરીકે સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. : બાબર આઝમ

મુલ્તાન,

ઈંગ્લેન્ડની સામે બીજી ટેસ્ટ અને ત્રણ મેચની સીરિઝ ગુમાવ્યા પછી પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે સ્વીકાર કર્યો છે કે તેમના ખેલાડીઓ એક યુનિટ તરીકે સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. મુલ્તાન ટેસ્ટનો ચોથો દિવસ પૂરો થઈ ગયો. પાકિસ્તાનને ૩૫૫ રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં ટીમ ૩૨૮ રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનની ટીમ પહેલી ઈનિંગમાં માત્ર ૨૦૨ રન બનાવી શકી હતી અને આ પાકિસ્તાનની હાર માટેનું સૌથી મોટું ક્રારણ છે. કેપ્ટન બાબર આઝમે આ સિવાય પોતાના ઈજાગ્રસ્ત ઝડપી બોલરોની કમીને પણ કારણ જણાવ્યું હતું.

બાબરે બીજી ટેસ્ટમાં ૨૬ રનથી મળેલી હાર પછી કહ્યું હતું કે, અમને જીતની ઘણી તકો મળી હતી પરંતુ અમે એક ટીમ તરીકે તેને શક્ય બનાવી શક્યા ન હતા. અમને ચોથા દિવસે પણ તક મળી હતી પરંતુ અમે તેને ફિનિશિંગ સુધી પહોંચાડી શક્યા ન હતા. તેણે કહ્યું હતું કે, અમારા મહત્ત્વના બોલરો ફીટ ન હતા, જેની કમી અમારે ભોગાવવી પડી પરંતુ આ કોઈ બહાનું નથી. મને લાગે છે એક ટીમના રૂપે અમે સારું રમી શક્યા ન હતા.

પાકિસ્તાનનો ટોપ ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી ઈજાના કારણે સીરિઝમાંથી બહાર છે, જ્યારે ઝડપી બોલર હારિસ રઉફ પહેલી ટેસ્ટ મેચ દરમિયાન જાંઘની નસ ખેંચાઈ જવાના કારણે બહાર થઈ ગયો છે. નસીમ શાહ પણ ખભામાં ઈજાના કારણે બહાર છે. સીરિઝની અંતિમ મેચ હવે ૧૭ ડિસેમ્બરના રોજ કરાચી નેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. પાકિસ્તાન પહેલા જ ૦-૨થી આ ટેસ્ટ સીરિઝ હારી ગયું છે.

ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં હાર પછી પાકિસ્તાને આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવાની પોતાની આશા લગભગ ખતમ કરી દીધી છે. પાકિસ્તાનની સતત બીજી હારથી ઈંગ્લેન્ડથી વધારે ભારતને ફાયદો થયો છે કારણ કે સીરિઝ શરૂ થતા પહેલા પાકિસ્તાની ટીમનો જીત માટેની ટકાવારી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ૨૦૨૧-૨૩ સત્રમાં ૫૧.૮૫ ટકા હતી, જે ભારતની જીતની ટકાવારીની નજીક હતી. જો પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ સામેની સીરિઝ જીતી જતે તો ભારત માટે ખતરો બની શકે તેમ હતું. પરંતુ હવે બીજી ટેસ્ટ મેચમાં પણ ઈંગ્લેન્ડ વિરુદ્ધ હારી જતા પાકિસ્તાનની જીતની ટકાવારી ૫૧.૮૫ ટકાથી ઘટીને ૪૨.૪૨ ટકા થઈ ગઈ છે અને સતત બે મેચ હારવાના કારણે પાકિસ્તાની ટીમ લિસ્ટમાં છઠ્ઠા સ્થાન પર પહોંચી ગઈ છે.