રાહુલે હિમાચલના તમામ ધારાસભ્યોને બોલાવ્યા, મંત્રી પદ માટે જૂથવાદ રોકવાની કવાયત

  • સુખવિંદર સિંહ સુક્ખુ સરકારમાં મંત્રી પદ મેળવવા માટે હિમાચલ પ્રદેશ કોંગ્રેસમાં લોબિંગ શરૂ થઈ ગયું છે.

શિમલા,

હિમાચલ પ્રદેશની નવી સુખવિંદર સિંહ સુક્ખુ સરકારની કેબિનેટની રચનામાં વધુ સમય લાગી શકે છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ હિમાચલ પ્રદેશના કોંગ્રેસના તમામ ૪૦ ધારાસભ્યોને રાજસ્થાન આવવા કહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામ ધારાસભ્યો અલવરમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થઈ શકે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, સુખવિંદ સિંહ સુક્ખુ સરકારમાં મંત્રી પદ મેળવવા માટે હિમાચલ પ્રદેશ કોંગ્રેસમાં લોબિંગ શરૂ થઈ ગયું છે.

આ લોબિંગને જોતા હવે રાહુલ ગાંધીએ તમામ ધારાસભ્યોને રાજસ્થાન બોલાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અહીં રાહુલ ગાંધી સુક્ખુ કેબિનેટમાં સામેલ કરવામાં આવનાર મંત્રીઓના નામ પર વિચાર કરશે, ત્યારબાદ કેબિનેટ મંત્રીઓના નામને ફાઈનલ કરવામાં આવશે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ રાજસ્થાનમાં છે. હવે હિમાચલ પ્રદેશના ધારાસભ્યો પણ આ યાત્રાનો હિસ્સો બની શકે છે. આવી સ્થિતિમાં આશા છે કે ૧૫ ડિસેમ્બર સુધીમાં કેબિનેટ મંત્રીઓના નામ નક્કી થઈ શકે છે. આ પહેલા સુખવિંદ સિંહ સુક્ખુ અને મુકેશ અગ્નિહોત્રી સાથે તમામ ૩૮ ધારાસભ્યો સચિવાલય પહોંચ્યા હતા અને બેઠક યોજાઈ હતી. પરંતુ આ બેઠકમાં શું થયું તે હજુ સુધી જાણી શકાયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં મંત્રીઓના નામ નક્કી થઈ શક્યા નથી. જે બાદ રાહુલ ગાંધીએ બધાને રાજસ્થાન આવવા માટે કહ્યું છે.

એવું માનવામાં આવે છે કે, રાહુલ ગાંધીની આ કવાયત હિમાચલ પ્રદેશમાં મંત્રી પદ માટે કોઈપણ પ્રકારના જૂથવાદને દૂર કરવાનો એક ભાગ છે. અહીંની પાર્ટી મધ્યપ્રદેશ જેવી સ્થિતિ ટાળવા માંગે છે, તેના કારણે તે દરેક પગલું જોઈ સંભાળીને મૂકી રહી છે. પાર્ટીની અંદર કોઈ પણ પ્રકારનો બળવો ન થવો જોઈએ, એટલા માટે રાહુલ ગાંધી પોતે મંત્રીમંડળની રચના પર ઊંડાણપૂર્વક વિચારણા કરશે.

હિમાચલના મુખ્યમંત્રી હમીરપુર જિલ્લામાંથી આવે છે. અહીં પાર્ટીએ તમામ ૫ વિધાનસભા બેઠકો જીતી લીધી છે. રાજીન્દ્ર રાણા પણ આ જિલ્લામાંથી આવે છે, જે સુજાનાપુરના ધારાસભ્ય છે. રાણાને કેબિનેટમાં મંત્રીપદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહ અને તેમના પુત્ર વિક્રમાદિત્ય સિંહ દિલ્હીમાં છે. શિમલા (ગ્રામીણ) વિધાનસભા બેઠકના ધારાસભ્ય વિક્રમાદિત્ય વિશે પણ એવી અટકળો છે કે તેઓ નવા કેબિનેટનો ભાગ બની શકે છે. જો કે, સૂત્રોના હવાલાથી એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો વિક્રમાદિત્યની વિરુદ્ધ પણ છે, કારણ કે તે વિક્રમાદિત્યથી સિનિયર છે.

આ સિવાય શિમલા જિલ્લાના રોહીત ઠાકુર અને અનિરુદ્ધ સિંહ પણ કેબિનેટ મંત્રી પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. કિન્નૌર અને લાહૌલ-સ્પીતિ જિલ્લાની બે આદિવાસી બેઠકોના ધારાસભ્યો જગત સિંહ નેગી અને રવિ ઠાકુર પણ લાઇનમાં છે, પરંતુ જગત સિંહ નેગીને તેમની વરિષ્ઠતાને કારણે કેબિનેટ પદ મળવાની અપેક્ષા છે. જો કે, કેટલાક રાજકીય વિશ્લેષકો એવું પણ માને છે કે, નેગી વિધાનસભાના અધ્યક્ષ પદ માટે કોંગ્રેસની પસંદગી બની શકે છે કારણ કે, તેઓ ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી વીરભદ્ર સિંહ સરકારમાં ડેપ્યુટી સ્પીકર હતા. આ સિવાય હર્ષવર્ધન ચૌહાણ, સુંદર સિંહ ઠાકુર, કુલદીપ પઠાનિયા, ધની રામ શાંડિલ અને રાજેશ ધર્માનીના નામ પણ સંભવિત કેબિનેટ મંત્રીઓની યાદીમાં છે.