મુંબઈ,
બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચન રિયલ લાઇફમાં ઘણાં જ સિમ્પલ વ્યક્તિ છે. ’કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર તેઓ સ્પર્ધક સાથે ઘણી જ મસ્તી કરતા હોય છે. તેઓ શોમાં પોતાના જીવનના રસપ્રદ કિસ્સા પણ શૅર કરતા હોય છે. હાલમાં ’કેબીસી’ જુનિયરમાં નાના બાળકો હોટ સીટ પર આવે છે. ’કૌન બનેગા કરોડપતિ ૧૪’ ટૂંક સમયમાં જ ઑફએર થશે. આ શો હવે ગ્રાન્ડ ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. અમિતાભ બચ્ચને હાલમાં જ આ શો અંગે વાત કરી હતી.
’કેબીસી જુનિયર શો’માં ઘણાં ટેલેન્ટેડ બાળકો જોવા મળ્યા છે. આ બાળકોએ પોતાના નોલેજ તથા નટખટ અંદાજથી બિગ બીને ઇમ્પ્રેસ કરી દીધા છે. જોકે, તાજેતરમાં જ અમિતાભે શોમાં પોતાની સીટ પરથી ઉતરીને બાળકને શૂઝ પહેરાવ્યા હતા.
’કેબીસી’ના લેટેસ્ટ એપિસોડમાં ૯ વર્ષીય અંશુમન પાઠક ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ જીતને હોટ સીટ પર આવ્યો હતો. અંશુમને અમિતાભ સાથે અઢળક વાતો કરી હતી. તેણે મોટા થઈને ગેમ ડેવલપર બનવાની વાત કરી હતી. ગેમ રમતા રમતા અંશુમને બિગ બીને કહ્યું હતું કે તે શૂઝ કાઢીને શ્લોક બોલવા માગે છે. અંશુમનની આ વાતથી અમિતાભ ઇમ્પ્રેસ થઈ ગયા હતા. શ્લોક બોલ્યા બાદ બિગ બીએ અંશુમનને શૂઝ પહેરાવવામાં મદદ કરી હતી. અમિતાભ પોતાની સીટ પરથી ઉતારીને જમીન પર ઘૂંટણીયે બેસીને અંશુમનને શૂઝ પહેરાવે છે. અંશુમને કહ્યું હતું કે તે જાતે જ શૂઝ પહેરી લેશે, પરંતુ બિગ બીએ અંશુમનના વખાણ કરતા કહ્યું હતું કે તે ઘણો જ જીનિયસ છે અને તેથી જ તે મદદ કરશે. બિગ બીનું આ વર્તન જોઈને ચાહકો તેમની સાદગી પર ફિદા થઈ ગયા હતા.
અંશુમન સાથેની વાતચીતમાં બિગ બીએ કહ્યું હતું કે તે ચોપસ્ટિકથી ક્યારેય નૂડલ્સ ખાઈ શક્તા નથી. તે જ્યારે પણ ચોપસ્ટિકથી નૂડલ્સ ખાવાનો પ્રયાસ કરે તો નૂડલ્સ નીચે જ પડી જાય છે. જોકે, હવે તે નૂડલ્સને સ્પૂન ને ફોર્કથી ખાય છે.