ડોકલામ-લદ્દાખ પછી હવે તવાંગ, આખરે શું ચાલી રહ્યું છે ચીનના મન માં?

  • ૯ ડિસેમ્બરે ચીને ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો.: રાજનાથસિંહ
  • તવાંગમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણને લઈને સંસદમાં વિપક્ષી સભ્યોનો હંગામો સતત ચાલુ.

નવીદિલ્હી,

ડોકલામ અને લદ્દાખ બાદ હવે ચીને તવાંગમાં પણ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે, જે બાદ ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ છે. ૯ ડિસેમ્બરે પેટ્રોલિંગ દરમિયાન બંને દેશોની સેના આમને-સામને આવી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ વિવાદ ચીન તરફથી શરૂ થયો હતો. ત્યારબાદ ભારતીય સૈનિકોએ જવાબી કાર્યવાહી કરી અને ૩૦૦ ચીની સૈનિકોનો પીછો કર્યો.જેમાં ૨૦-૩૦ સૈનિકો ઘાયલ થયા હતા. આ અથડામણ તવાંગ સેક્ટરમાં ત્યારે થઈ જ્યારે બંને દેશોની સેના પેટ્રોલિંગ દરમિયાન એકબીજાની સામે આવી ગઈ. ચીનની સેના એલએસી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી. તે જ સમયે, ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોનો મજબૂતીથી સામનો કર્યો. આ અથડામણ ૯ ડિસેમ્બરે થઈ હતી. એક સૂત્રએ જણાવ્યું કે, તવાંગ સેક્ટરમાં એલએસી પર ૯ ડિસેમ્બરે પીએલએ સૈનિકો સાથે અથડામણ થઈ હતી. અમારા સૈનિકોએ નિશ્ર્ચય સાથે ચીની સૈનિકોનો સામનો કર્યો. આ અથડામણમાં બંને પક્ષના કેટલાક સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને પક્ષો તરત જ વિસ્તારમાંથી પીછેહઠ કરી ગયા હતા.ચીન અરુણાચલ પ્રદેશના તવાંગને તિબેટનો ભાગ માને છે. ચીનની ફાઈવ ફિંગર્સ ઑફ તિબેટ નીતિમાં તવાંગનો પણ સમાવેશ થાય છે. ૨૦૧૭માં ડોકલામમાં પણ ચીનની ફાઈવ ફિંગર્સ પોલિસી હેઠળ ઘૂસણખોરી થઈ હતી. લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી પણ ફાઈવ ફિંગર્સ પોલિસીનો એક ભાગ હતો.જે સમયે અથડામણ થઈ તે સમયે તવાંગમાં ભારતના માત્ર ૧૦૦ સૈનિકો તૈનાત હતા. ચીની સૈનિકો પૂરી તૈયારી સાથે આવ્યા હતા. બંને દેશો વચ્ચે ૯ અને ૧૧ ડિસેમ્બરે અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારતીય સૈનિકોએ ચીનના ૧૨ સૈનિકોને પકડી લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અથડામણમાં બંને તરફથી જવાનોના હાથ અને પગના હાડકાં તૂટી ગયા છે. બંને તરફથી ૫૦૦ સૈનિકો હતા. જેમાં ભારતીય સૈનિકોએ ચીનના ૩૦૦ સૈનિકોનો પીછો કર્યો હતો.આ અથડામણમાં મોટાભાગના ચીની સૈનિકો ઘાયલ થયા છે. અથડામણ બાદ બંને દેશના સૈનિકો પાછળ હટી ગયા હતા. બીજી તરફ, ભારતીય સૈનિકો જેમની હાલત વધુ ગંભીર છે, તેમને સારવાર માટે ગુવાહાટી, લેહ મોકલવામાં આવ્યા છે.

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે એટલે કે મંગળવારે, અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ચીની સેના સાથેની અથડામણના મુદ્દે તેમના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં એનઆઇએ અજીત ડોભાલથી સીડીએસ અને આર્મી ચીફ હાજર હતા. રાજનાથે કહ્યું કે, ચીની પક્ષને આવી કાર્યવાહી માટે મનાઈ કરવામાં આવી હતી અને સરહદ પર શાંતિ જાળવવા કહ્યું હતું. રાજદ્વારી સ્તરે ચીનની સાથે આ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. રાજનાથ સિંહે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ ઘટના બાદ વિસ્તારના સ્થાનિક કમાન્ડરે સ્થાપિત વ્યવસ્થા હેઠળ ૧૧ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ પોતાના ચીન સમકક્ષ સાથે લેગ મીટિંગ કરી હતી અને ઘટના અંગે ચર્ચા કરી હતી.રાજનાથે વધુમાં કહ્યું કે, હું આ ગૃહને આશ્ર્વાસન આપવા માંગુ છું કે અમારી સેના અમારી પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને તેમની વિરુદ્ધ કોઈપણ પ્રયાસને રોકવા માટે હંમેશા તૈયાર છીએ. મને ખાતરી છે કે આ ગૃહ સર્વસંમતિથી આપણા દળોની બહાદુરી અને હિંમતને સમર્થન આપશે. દરમિયાન અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણને લઈને સંસદમાં વિપક્ષી સભ્યોનો હંગામો સતત ચાલુ છે અને વિપક્ષ પીએમ નરેન્દ્ર મોદી પાસેથી જવાબની માંગ પર અડગ છે. આ બધા વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સંસદમાં આ મામલે નિવેદન આપ્યું. પહેલા લોક્સભા અને પછી રાજ્યસભામાં રક્ષામંત્રીએ નિવેદન આપ્યું. તેમણે સરહદ પર સ્થિતિની જાણકારી આપતા કહ્યું કે સરહદ પર ચીની સૈનિકો સાથે હાથાપાઈ થઈ. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ચીને સરહદ પર યથાસ્થિતિ બદલવાની કોશિશ કરી પરંતુ આપણા સૈનિકોએ બહાદુરી દેખાડતા તેમને પાછા ખદેડી મૂક્યા. અરુણાચલ પ્રદેશના તવાંગમાં તાજેતરમાં થયેલા ચીનના સૈનિકો સાથેના ઘર્ષણ મુદ્દે રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે લોક્સભામાં નિવેદન આપ્યું. રાજનાથ સિંહે કહ્યું કે ૯ ડિસેમ્બરના રોજ પીએલએ ટુકડીએ તવાંગ સેક્ટરના યાંગ્ત્સે વિસ્તારમાં એલએસી પર અતિક્રમણ કરીને યથાસ્થિતિને એક્તરફી રીતે બદલવાનો પ્રયત્ન કર્યો. ચીનના આ પ્રયત્નનો આપણી સેનાએ દ્રઢતા સાથે સામનો કર્યો.