ભારતની એક ઇંચ જમીન પર કબજો નથી:કોંગ્રેસનું ચીન પ્રત્યે બેવડું વલણ : અમિત શાહ

  • જો ૯ તારીખે અથડામણ થઈ હતી તો સરકારે સંસદમાં માહિતી કેમ ન આપી? : ઓવૈસી

નવીદિલ્હી,

અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણને લઈને સંસદમાં ભારે હંગામો થયો હતો. આ અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ બેવડું વર્તન કરી રહી છે. તેમણે કહ્યું કે ચીને ભારતની એક ઇંચ જમીન પર કબજો કર્યો નથી. તેમણે કહ્યું કે આપણા જવાનોએ બહાદુરી બતાવી.

અમિત શાહે સંસદની બહાર કહ્યું- કોંગ્રેસે પ્રશ્ર્નકાળ ચાલવા દીધો નહીં. અમે તમને જવાબ આપવા કહ્યું હતું. તેમ છતાં તેઓએ સંસદનું કામકાજ થવા દીધું ન હતું. ચીન પર કોંગ્રેસનું વલણ બેવડું છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનનો પ્રશ્ર્ન પ્રશ્ર્નકાળ દરમિયાન મૂકવામાં આવ્યો હતો. હું તમને કહું કે કષ્ઠટ્ઠિનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું. પ્રશ્ર્ન આ અંગે હતો. તે ફાઉન્ડેશનને ચીન પાસેથી પૈસા મળ્યા હતા. ૧.૩૮ કરોડ મળ્યા હતા. કોંગ્રેસના શાસનમાં ચીને ૧૯૬૨માં હજારો એકર જમીન હડપ કરી હતી.

કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોએ લોક્સભા અને રાજ્યસભામાં આ મુદ્દે તાત્કાલિક ચર્ચાની માગ કરી છે. એઆઇએમઆઇએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી અને કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ સંસદમાં સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ દેશની કેટલીક ગંભીર સમસ્યા પર ચર્ચા કરવા માટે લાવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, જેડીયુ અને ટીએમસી સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ લોક્સભા અને રાજ્યસભામાં આ મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની માગ કરી છે. કોંગ્રેસના નેતાઓ રણદીપ સુરજેવાલા, નાસીર હુસૈન, શક્તિસિંહ ગોહિલ, રણજિત રાજન અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ પણ આ મુદ્દે ચર્ચા માટે નોટિસ આપી છે.કોંગ્રેસનેતા જયરામ રમેશે કહ્યું હતું કે દેશથી મોટું કોઈ નથી, પરંતુ મોદીજી પોતાની ઈમેજ બચાવવા માટે દેશને જોખમમાં મૂકી રહ્યા છે.

તવાંગ વિસ્તારમાં અથડામણ મામલે અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે ભારત-ચીન સૈનિકો વચ્ચે ૯ ડિસેમ્બરે અથડામણ થઈ હતી. આ દરમિયાન સંસદ ચાલી રહી છે, તો સરકારે એ જ દિવસે એની જાણ કેમ ન કરી? ત્રણ દિવસ પછી મીડિયા અમને કહી રહ્યું છે કે અમારા બહાદુર જવાનો ઘાયલ છે. મને દેશની સેનામાં પૂરો વિશ્ર્વાસ છે, પરંતુ દેશમાં નબળું નેતૃત્વ છે. મોદી સરકાર ચીનનું નામ લેતા પણ ડરે છે.અરુણાચલના તવાંગમાં ભારત-ચીન સામ-સામે આવતાં અરુણાચલ પૂર્વના ભાજપ સાંસદ તાપીર ગાઓએ કહ્યું હતું કે અમારા સૈનિકો સરહદથી એક ઇંચ પણ ખસશે નહીં. જો ચીની સૈનિકો સરહદની અંદર ઘૂસવાનો પ્રયાસ કરશે તો અમે તેમને પાઠ ભણાવીશું. અમે સરહદ પર હાર નહીં માનીએ, પરંતુ જડબાંતોડ જવાબ આપીશું.

અરુણાચલ પ્રદેશના તવાંગમાં સ્થિત એલએસી પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી ઝડપ પર ભારતીય સેનાએ અધિકૃત નિવેદન આપ્યુ છે. ભારતીય સેનાએ આપેલી માહિતી મુજબ બંને દેશોની સેના વચ્ચે ૯ ડિસેમ્બરની સવારે અથડામણ થઈ છે. જેમાં બંને દેશોના જવાનોને હળવી ઈજાઓ થઈ છે. અહેવાલો મુજબ આ ઝડપમાં ભારતના ૮ જવાન ઘાયલ થયા છે જ્યારે ચીનના લગભગ ૩૦ જવાન ઘાયલ થયા છે. ભારતના ઘાયલ જવાનોને ગુવાહાટીની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, સૈનિકોની સંખ્યાને લઈને ભારતીય સેના તરફથી કંઈ કહેવામાં આવ્યુ નથી