માનહાનિના કેસમાં સુપ્રીમે સિસોદિયાની ઝાટકણી કાઢી: જો આ મુદ્દે ચર્ચા થશે તો એનાં પરિણામ પણ ભોગવવાં પડશે, આસામના મુુખ્યમંત્રીને ભ્રષ્ટ કહ્યા હતા

નવીદિલ્હી,

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ લાગેલા માનહાનિનો કેસની સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે મનીષ સિસોદિયાને ફટકાર લગાવતાં કહ્યું કે, જો જાહેર દલીલને આ સ્તરે લાવવામાં આવશે તો તેના પરિણામો પણ ભોગવવા પડશે. તમારે બિનશરતી માફી માગવી જોઈતી હતી. તમે જે આરોપો લગાવ્યા હતા, તે હવે કોર્ટમાં સાબિત કરો. કોર્ટે કહ્યું કે જો તમે તમારા નિવેદન પર અડગ છો તો તમને બચાવ કરવાનો પૂરો અધિકાર છે. તમે લોકો દેશ શું કરી રહ્યો છે તેની ચિંતા કર્યા વિના માત્ર આરોપો લગાવી રહ્યા છો.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજય કિશન કૌલ આ સમગ્ર કેસની સુનાવણી કરી હતી. મનુ સિંઘવી મનીષ સિસોદિયા માટે હાજર થયા હતા. સિંઘવીએ કહ્યું કે સિસોદિયાએ એવું નથી કહ્યું કે હિમંતા બિસ્વા સરમાને પૈસા મળ્યા છે, ન તો તેમણે કહ્યું કે તેઓ ભ્રષ્ટ છે.

અગાઉ સિસોદિયાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આસામના સીએમ અને તેમની પત્ની પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હિમંતા બિસ્વા સરમાએ કોરોનાકાળમાં PPE કીટનો કોન્ટ્રાક્ટ તેમની પત્નીની કંપનીને આપ્યો હતો. આ દરમિયાન હિમંતા આરોગ્ય મંત્રી હતા, તેમણે નિયમોને યાનમાં રાખીને તેમની પત્નીની કંપનીને PPE કીટનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આટલું જ નહીં, કંપનીને PPE કિટ માટે વધુ ચૂકવણી કરી હતી.

આના પર હિમંતા તરફથી સિસોદિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેને રદ્દ કરવા માટે સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી સિસોદિયાએ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.