
- બ્રિટિશ સંસદમાં તેના પ્રતિનિધિને આમંત્રિત કરતાં હોબાળો થયો, બળાત્કારનો આરોપ છે.
લંડન,
ઈંગ્લેન્ડના ઉપલા ગૃહ ’હાઉસ ઓફ લોર્ડ્સ’માં ભારતના ભાગેડુ ધર્મગુરુ નિત્યાનંદના પ્રતિનિધિના આમંત્રણને લઈને વિવાદ સર્જાયો હતો. નિત્યાનંદ પર ભારતમાં પોતાના શિષ્ય પર બળાત્કાર અને બાળકોનું અપહરણ કરવાનો આરોપ છે. જે બાદ તે દેશ છોડીને ભાગી ગયો હતો. તેણે પોતાનો અલગ ટાપુ હોવાનો પણ દાવો કર્યો હતો.
બ્રિટનમાં નિત્યાનંદના પ્રતિનિધિ ’આત્મદયા’એ હાઉસ ઓફ લોર્ડ્સમાં આયોજિત દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. તેમને કન્ઝર્વેટિવ પાર્ટીના બે નેતાઓએ પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. નિત્યાનંદની સંસ્થાની આખા પાનાની જાહેરાત પણ બ્રોશરમાં છપાઈ હતી જે પાર્ટીમાં આવેલા લોકોને વહેંચવામાં આવી હતી. આ પછી પાર્ટીમાં જોડાયેલા ઘણા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
ભારતમાં નિત્યાનંદના મોટી સંખ્યામાં ભક્તો છે. અહીં ડઝનેક મંદિરો અને આશ્રમ છે. ત્યાં લોકો સામે ચમત્કાર કરવાનો દાવો કર્યો છે. તે કહે છે કે – હું દીવાલની આરપાર જોઈ શકું છું. અંધ બાળકોની દૃષ્ટિ પાછી લાવી શકું છું, ગાયો સાથે વાત કરી શકું છું અને સૂર્યના ઉદયમાં વિલંબ કરી શકું છું.
નિત્યાનંદના પ્રતિનિધિને કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેન અને તેમના સહયોગી રામી રેન્જરે પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું, આ પહેલા ૨૦૧૭માં બ્લેકમેને હિન્દુ રાષ્ટ્રવાદી તપન ઘોષને સંસદમાં એક કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું. ત્યારપછી તપને ઘોષે મ્યાનમારમાં મુસ્લિમોના નરસંહારનો બચાવ કરીને વિવાદ સર્જયો હતો. ત્યારે બિઝનેસમેન રામી રેન્જરે કહ્યું કે તેમને નિત્યાનંદ અને તેની સંસ્થા વિશે કોઈ જાણકારી નથી. તેમણે કહ્યું કે, મને આ વ્યક્તિ વિશે કોઈ ખબર નહોતી. જો મને ખબર હોત તો હું એ કાર્યક્રમમાં બિલકુલ હાજરી આપી ન હોત.
હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના સહયોગથી દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. નિત્યાનંદના પ્રતિનિધિને ફોરમમાં આમંત્રિત કરવાનું યોગ્ય માનવામાં આવ્યું. ફોરમે કહ્યું, અમે કોઈની સાથે ભેદભાવ નથી કરતા. પરંતુ નિત્યાનંદની સંસ્થા પર ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટ કરનાર ફ્રિલાન્સ જર્નાલિસ્ટ પૂનમ જોશીએ તેમની સામે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે કહ્યું કે સંસદમાં બળાત્કારના આરોપીના પ્રતિનિધિને કોઈ પણ રીતે બોલાવવો યોગ્ય નથી. તે ભારતમાંથી ભાગી ગયેલ વ્યક્તિને ઓળખ આપવા જેવું છે.
એક શિષ્યાએ ૨૦૧૦માં નિત્યાનંદ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. ૨૦૧૯માં ગુજરાત પોલીસે આરોપ લગાવ્યો હતો કે તેમના આશ્રમમાં બાળકોનું અપહરણ કરીને રાખવામાં આવ્યા હતા. પોલીસે દરોડા પાડીને બે લોકોની ધરપકડ કરી હતી. આશ્રમમાં બાળકો સાથે મારઝૂડ પણ કરવામાં આવ્યો હતો. નિત્યાનંદ તેના વિરૂદ્ધ લાગેલા તમામ આરોપોને નકાર્યા છે. તે ૨૦૧૯માં દેશ છોડીને ભાગી ગયો હતો. ત્યારપછી તેણે ’રિપબ્લિક ઓફ કૈલાસા’ નામના ટાપુની સ્થાપના કરવાનો દાવો કર્યો હતો.