પટણા,
બિહારમાં દારૂબંધીને અનુલક્ષીને નીતિશ સરકાર પર સતત સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન CM નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે બિહારમાં દારૂબંધી સમાપ્ત નહીં થાય. તેમણે કહ્યું હતું કે કોઈપણ સંજોગોમાં દારૂબંધીનો કાયદો સમાપ્ત થશે નહીં. નીતિશ કુમારની પાર્ટી સહયોગી કોંગ્રેસ દારૂબંધી કાયદાની સમીક્ષાની માંગણી કરી રહી છે. ત્યારે મુખ્યમંત્રીના આ નિવેદન બાદ મહાગઠબંધનમાં રાજકીય ગરમાવો આવી શકે છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે પટનામાં રવિવારના રોજ યોજાયેલા ઓપન સેશનમાં દારૂબંધી પર ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દારૂ પીધા પછી માણસો ક્રૂર બની જાય છે. કેટલાક લોકો દારૂ પીને પોતાને મોટો માણસ સમજવા લાગે છે. અમે મહિલાઓની માંગણી પર જ દારૂબંધીનો અમલ કર્યો હતો. તેનો ફાયદો પણ થયો છે. પહેલા જે લોકો દારૂ પીતા હતા તેટલા હવે નથી પીતા. બિહારમાં દારૂબંધી સમાપ્ત નહીં થાય.
બીજી બાજુ સહયોગી કોંગ્રેસે બિહારમાં દારૂબંધી કાયદાની સમીક્ષાની માંગણી કરી છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અજીત શર્માએ તાજેતરમાં કહ્યું હકું કે બિહારમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. સરકારી અધિકારીઓ તસ્કરો સાથે મળેલા છે. તેમની સામે કડક કાર્યવાદી જરૂરી છે. CM નીતિશ કુમાર કાયદાની સમીક્ષા કરે.
પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાન આવામ મોર્ચાના વડા જીતનરામ માંઝીએ પણ પ્રતિબંધ પર સવાલ ઉઠાવી ચૂક્યા છે. માંઝીની પાર્ટી પણ સહયોગી છે. માંઝીએ તાજેતરમાં તાડીને દારૂબંધીમાંથી બાકાત રાખવાની માંગણી કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે સરકારે દારૂ પીનારાઓને બદલે દારૂની હેરાફેરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. દારૂબંધીના કેસમાં ગરીબ લોકોને જેલમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે.