ગ્વાલિયર,
મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં બાડા સ્થિત વિક્ટોરિયા માર્કેટમાં તૈયાર થઈ રહેલું જીઓલોજી મ્યુઝિયમ ટૂંક સમયમાં પૂર્ણ થશે. આનાથી લોકોને જમીન સંબંધિત તથ્યોની જાણકારી મળી શકશે. આ સાથે પૃથ્વીમાં જોવા મળતા વિવિધ પ્રકારના રહસ્યો વિશે પણ માહિતી પ્રાપ્ત થશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાણ મંત્રાલય દ્વારા ગ્વાલિયરના વિક્ટોરિયા માર્કેટમાં પ્રથમ ભૂસ્તરશા સંગ્રહાલય તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેની કિંમત ૩૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ મ્યુઝિયમ દ્વારા પૃથ્વીની ઉત્પત્તિ સાથે જોડાયેલા અનેક રહસ્યો વિશેની માહિતી સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ સાથે આ મ્યુઝિયમમાં માનવ વિકાસના વિવિધ તબક્કાઓ પણ બતાવવામાં આવશે, જેથી લોકો તેમની વિકાસ યાત્રાને સંપૂર્ણ રીતે સમજી શકશે. મ્યુઝિયમમાં પૃથ્વી સાથે જોડાયેલા અનેક રહસ્યો ખુલશે. લોકોને પૃથ્વીની અંદર છુપાયેલા રત્નો, વાયુઓ સહિત પૃથ્વીના વિવિધ સ્તરો અને પદાર્થો વિશે પણ માહિતી આપવામાં આવશે. મ્યુઝિયમમાં આકાશમાંથી આવતી વિવિધ ઉલ્કાઓની માહિતી પણ આપવામાં આવશે. આ સાથે, તેમને તકનીકી રીતે પણ પ્રદર્શિત કરવામાં આવશે જેથી લોકો પૃથ્વી સાથે જોડાયેલા આ રહસ્યો જાણી અને સમજી શકે.
જીઓલોજી મ્યુઝિયમમાં વિવિધ ગેલેરી દ્વારા લોકોને માહિતી આપવામાં આવશે. જીએસઆઇ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર સુબ્રતો સરકારે જણાવ્યું હતું કે મ્યુઝિયમની પ્રથમ ગેલેરી માર્ચ ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થઈ જશે. ભૂતકાળમાં વિક્ટોરિયા માર્કેટ સંપૂર્ણપણે બળી ગયું હતું જેના કારણે તેનો દેખાવ બદલાઈ ગયો હતો. હાલમાં મ્યુઝિયમ માટે તેનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને તેનો જૂનો લુક આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મ્યુઝિયમની સાથે તેને એક ઐતિહાસિક ઈમારતનો રૂપ પણ આપવામાં આવી રહ્યો છે, જે એકદમ આકર્ષક લાગી રહી છે.