કેન્દ્ર સરકારે જૂની પેન્શન યોજનાને લાગૂ કરવાનો સ્પષ્ટપણે ઇન્કાર કરી દીધો

નવીદિલ્હી,

જો તમે સરકારી કર્મચારી હોવ કે તમારા ઘરમાં કોઈ સરકારી કર્મચારી હોય તો આ સમાચાર તમારા ખુબ કામના છે. કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યો તરફથી જૂની પેન્શન યોજના લાગૂ કરવાની જાહેરાત પર સોમવારે લોક્સભામાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. નાણા રાજ્યમંત્રી ડો.ભાગવત કરાડે સોમવારે અસદુદ્દીન ઓવૈસીના સવાલ પર લેખિત જવાબ આપ્યો. નાણા રાજ્યમંત્રીએ પોતાના જવાબમાં જૂની પેન્શન યોજનાને લાગૂ કરવાનો સ્પષ્ટપણે ઇન્કાર કરી દીધો છે. તેમણે પોતાના લેખિત જવાબમાં કહ્યું કે સરકારનો જૂની પેન્શન યોજના લાગૂ કરવાનો કોઈ વિચાર નથી.

ભાગવત કરાડે કહ્યું કે અનેક રાજ્યોએ જૂની પેન્શન યોજનાને લાગૂ કરવા માટે પોતાના સ્તર પર નોટિફિકેશન બહાર પાડ્યા છે. આવામાં સરકાર એ સ્પષ્ટ કરવા માંગે છે કે એનપીએસના પૈસા વાપસીની કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી. નાણા રાજ્યમંત્રીનો આ જવાબ હાલના સમયમાં ખુબ મહત્વનો મનાય છે કારણ કે તાજેતરમાં છત્તીસગઢ, ઝારખંડ, રાજસ્થાન અને પંજાબ સરકારે રાજ્ય કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના બહાલ કરવાની જાહેરાત કરી કરી દીધી છે.

એઆઇએમઆઇએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ લોક્સભામાં રાજ્ય સરકારો તરફથી જૂની પેન્શન યોજનાને બહાલ કરવા પર સવાલ કર્યો. તેમણે પૂછ્યું કે શું આ સરકારોએ રાષ્ટ્રીય પેન્શન સ્કીમના પૈસાને પાછા કરવાની ડિમાન્ડ કરી છે. તેમણે સરકારને સ્થિતિ સ્પષ્ટ કરવાની વાત કરી અને પૂછ્યું કે શું સરકાર નજીકના ભવિષ્યમાં જૂની પેન્શન યોજના લાગૂ કરવાનું વિચારી રહી છે? ઓવૈસીના સવાલો પર નાણા રાજ્યમંત્રી ભાગવત કરાડે લેખિતમાં જવાબ આપ્યો.

ભાગવત કરાડે સરકારનો પક્ષ સ્પષ્ટ કરતા કહ્યું કે રાજસ્થાન, ઝારખંડ, અને છત્તીસગઢ સરકારે આ અંગે કેન્દ્ર સરકાર- પીએફઆરડીએ ને પોતાના નિર્ણય અંગે સૂચિત કર્યા હતા. પંજાબ સરકારે ૧૮ નવેમ્બર ૨૦૨૨ના રોજ જૂની પેન્શન યોજનાની બહાલી અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. રાજસ્થાન, ઝારખંડ, અને છત્તીસગઢની સરકાર તરફથી એનપીએસના પૈસાને પાછા કરવા અંગે પ્રપોઝલ મોકલવામાં આવી છે. પરંતુ પંજાબ સરકાર તરફથી આવો કોઈ પત્ર મળ્યો નથી. તેમણે જણાવ્યું કે રાજસ્થાન, ઝારખંડ, અને છત્તીસગઢ સરકારને સૂચિત કરી દેવાઈ છે કે એનપીએસના પૈસા પાછા કરવાની કોઈ જોગવાઈ નથી