વર્તમાનમાં બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા સુપ્રીમ કોર્ટના જજ બન્યા

મુંબઇ,

બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તાને ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યા છે.જજ દીપાંકર દત્તા કલકત્તા હાઈકોર્ટના પૂર્વ જજ દિવંગત સલિલકુમાર દત્તાના પુત્ર છે અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રહી ચૂકેલા જજ અમિતાભ રોયના બનેવી છે.જેઓએ સવારે ૧૦.૩૬ વાગે સુપ્રીમ કોર્ટના કોર્ટ રૂમ ૧માં શપથ લીધા હતા.જજ દત્તાના શપથગ્રહણની સાથે સુપ્રીમ કોર્ટમાં જજની કુલ સંખ્યા ૨૮ થઈ ગઈ છે જ્યારે સીજેઆઈ સહિત ૩૪ની સ્વીકૃત શક્તિ છે.જસ્ટિસ દત્તાની હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં બઢતી કરવામાં આવી હતી.

જસ્ટિસ દત્તાનો જન્મ ૯ ફેબ્રુઆરી ૧૯૬૫ના રોજ થયો હતો.સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે તેમનો કાર્યકાળ ૮ ફેબ્રુઆરી ૨૦૩૦ સુધીનો રહેશે.સુપ્રીમ કોર્ટમાં સેવાનિવૃતિની વયમર્યાદા ૬૫ વર્ષની છે.જસ્ટિસ દત્તાને ૨૮ એપ્રિલ ૨૦૨૦ના રોજ બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા હતા.