રાજસ્થાન સરકાર અંગે ખેડૂતે રાહુલ ગાંધીને ફરિયાદ: વિજ કર્મચારી મીટર રીડિંગ માટે આવતા નથી

જયપુર,

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો આજે રાજસ્થાનમાં ૮ મો દિવસ છે. આજે યાત્રા બૂંદી જિલ્લાથી સવાઈ માધોપુર જિલ્લામાં પ્રવેશ કરી ચૂકી છે. સવાઈ માધોપુર જિલ્લામાં પ્રવેશ કરતા જ રાહુલ ગાંધીએ ખિજૂરી ગામમાં ટી બ્રેક લીધો.

રાહુલ ગાંધી એક ખેડૂત વેણીપ્રસાદ મીણાના ઘરે ચા માટે રોકાયા. આ દરમિયાન ખેડૂતે રાહુલ ગાંધીને કહ્યુ કે તેમનું વિજળી બિલ વધારે આવે છે. વિજળીના બિલમાં પણ કોઈ છુટ મળી રહી નથી. વિજ કર્મચારી મીટર રીડિંગ માટે આવતા નથી. મન ફાવે તેમ બિલ મોકલે છે. ખેડૂતે કહ્યુ સમગ્ર ગામની આ હાલત છે. તેમણે ખાતર માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ખાતરનું જે કટ્ટુ ૨૭૦ રૂપિયાનું આવે છે તે કાળાબજારીના કારણે ૬૦૦ રૂપિયામાં ખરીદવા માટે મજબૂર થઈ રહ્યા છે. તે માટે લાંબી લાઈનમાં ઊભુ રહેવુ પડે છે.

ખેડૂત વેણીપ્રસાદ મીણાએ જણાવ્યુ કે તેમણે ક્યારેય વિચાર્યુ નહોતુ કે રાહુલ ગાંધી તેમના ઘરે આવશે. સવારે ૫ વાગે તેમની ટીમના લોકો આવ્યા અને કહ્યુ કે રાહુલ ગાંધી તમારા ત્યાં ટી બ્રેક કરવા માગે છે. અમે પણ તરત જ કહી દીધુ, પધારો. ટી બ્રેક દરમિયાન રાહુલ ગાંધીની સાથે બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર રહ્યા. તેમણે પણ સૌ સાથે ફોટા પડાવ્યા.

રાહુલ ગાંધી જે ખેડૂત વેણીપ્રસાદ મીણાના ઘરે રોકાયા હતા તેમને ત્રણ પુત્રીઓ અને બે પુત્ર છે. રાહુલ ગાંધીએ ઘરેથી નીકળતી વખતે ખેડૂતની પુત્રીઓના માથે હાથ મૂક્યો. રાહુલ ગાંધીએ તેમને અભ્યાસ વિશે પૂછ્યુ અને કહ્યુ ખૂબ ભણો. યાન રાખીને ભણો. તેમણે દરેક બાળકોને ચોકલેટ પણ આપી. તેમણે ઘરે હાજર ખેડૂતના ૬ વર્ષના ભત્રીજાને ખોળામાં લઈને ચોકલેટ ખવડાવી અને ફોટો પડાવ્યો.