- માનવતાને શર્મસાર કરતો કિસ્સો આવ્યો સામે
- નિષ્ઠુર માતાએ પાપ છૂપાવવા બાળકીને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી
- પોલીસે એક શંકાસ્પદ યુવતીની પૂછપરછ કરી
- પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા
સુરતમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. મગદલ્લા ગામમાં નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી છે. બાળકીને બિલ્ડીંગ પરથી નીચે ફેંકી દેવાતા માસુમ બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
નવજાત મૃત હાલતમાં મળી આવતા ચકચાર
મગદલ્લા ગામમાં આવેલ એક બિલ્ડિંગના પરિસરમાંથી નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ પણ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી હતી. નિષ્ઠુર માતાએ પોતાનું પાપ છુપાવવા માટે બાળકીને ત્યજી દીધી હોય તેવી ચર્ચાઓ ઉઠી હતી.
પાપ છૂપાવવા બિલ્ડિંગ પરથી નીચે ફેંકી
ઉમરા પોલીસે તપાસ શરૂ કરતા સીસીટીવી કેમેરામાં બિલ્ડીંગ પરથી નવજાતને નીચે ફેંકી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. માસુમ બાળકીને નીચે ફેંકી દેવાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. આ મામલે પોલીસે એક શંકાસ્પદ યુવતીની પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસે શું ખુલાસો કર્યો?
સુરત DCP સાગર બાગમારે જણાવ્યું કે, માતાએ જ નવજાત બાળકીને બિલ્ડીંગથી નીચે ફેંકી હતી. નવજાત બાળકીની માતા સગીરા છે. રાત્રીના સમયે સગીરાએ બાળકીની હત્યા કરી હતી. અનૈતિક સંબંધોમાં બાળકીનો જન્મ થયો હતો. સગીરા તેની મિત્રના માધ્યમથી પ્રેમીને મળી હતી. પ્રેમી સાથે સગીરાના સંબંધો બંધાયા હતા. સગીરાનો પ્રેમી તેની મિત્રનો પણ પ્રેમી હોવાનો ખુલાસો તેણે પૂછપરછમાં કર્યો હતો. હાલ સગીરાની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.