કિંગ ખાન માતાના દરબારમાં પઠાનની રિલીઝ પહેલાં શાહરુખ ખાને વૈષ્ણોદેવીના મંદિરમાં માથું નમાવ્યું

જમ્મુ,

બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન હાલમાં પોતાની ફિલ્મ ’પઠાન’ને કારણે ચર્ચામાં છે. શાહરુખ ખાને ફિલ્મ રિલીઝ પહેલાં ઉમરાહ કરવા મક્કા ગયો હતો. હવે કિંગ ખાને માતા વૈષ્ણોદેવીના દરબારમાં માથું ટેકવ્યું હતું શાહરુખ ખાન પોતાની ફિલ્મની સફળતા માટે માતા વૈષ્ણોદેવીના મંદિરે ગયો હતો. ૧૧ ડિસેમ્બરે મોડી રાત્રે કિંગ ખાન પોતાની ટીમ સાથે કટરાથી ચાલતો વૈષ્ણોદેવીના મંદિરે ગયો હતો. અહીંયા તેણે દર્શન કરીને પ્રાર્થના કરી હતી. શાહરુખ ખાન બ્લેક જેકેટમાં તથા માસ્કમાં હોવાથી ચાહકો પોતાના ફેવરિટ સ્ટારને ઓળખી શક્યા નહોતા.

થોડાં સમય પહેલાં જ શાહરુખે મક્કામાં ઉમરાહ કર્યો હતો. આ અંગેની માહિતી એક સાઉદી પત્રકારે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આપી હતી. શાહરુખ ખાનનો ઉમરાહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વીડિયોમાં એક્ટર સુરક્ષાથી ઘેરાયેલો હતો. આ વીડિયોમાં કિંગ ખાન ઈસ્લામિક યાત્રાધામ દરમિયાન સફેદ ઝભ્ભામાં જોવા મળ્યો હતો.શાહરુખ ખાન ’પઠાન’માં એક્શન અવતારમાં જોવા મળશે. તેની ફિટનેસ જોઈને ચાહકો પણ નવાઈમાં મૂકાઈ ગયા છે. આ ફિલ્મ આવતા વર્ષે ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થશે. આજે એટલે કે ૧૨ ડિસેમ્બરના રોજ ફિલ્મનું પહેલું ગીત ’બેશરમ રંગ’ રિલીઝ થયું છે. આ ગીતમાં દીપિકા પાદુકોણનો સિઝલિંગ અવતાર જોવા મળ્યો છે. ફિલ્મમાં શાહરુખ-દીપિકા ઉપરાંત જ્હોન અબ્રાહમ પણ છે. સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટર કરેલી આ ફિલ્મ હિંદી ઉપરાંત તમિળ તથા તેલુગુમાં રિલીઝ થશે. ૫ વર્ષના લાંબા બ્રેક બાદ ૨૦૨૩માં શાહરુખ ખાનની ત્રણ ફિલ્મ રિલીઝ થવાની છે.

શાહરુખ ખાન છેલ્લે ૨૦૧૮માં ’ઝીરો’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કેટરીના કૈફ તથા અનુષ્કા શર્મા હતાં. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરલોપ રહી હતી. આ જ કારણે શાહરુખ ખાને થોડા સમયનો બ્રેક લીધો હતો. ૨૦૨૩માં ’પઠાન’ બાદ ’જવાન’ પછી ’ડંકી’ રિલીઝ થશે. શાહરુખ ખાન થોડાં સમય પહેલાં ફિલ્મ ’ડંકી’નું શૂટિંગ પૂરું કર્યું હતું, એક્ટરે વીડિયો શૅર કરીને આ અંગેની જાણકારી આપી હતી. તો આ સાથે જ પોસ્ટમાં ફિલ્મના તમામ કલાકારોનો આભાર માન્યો હતો. શાહરુખે સાઉદી અરેબિયાના સંસ્કૃતિ અને ફિલ્મ મંત્રાલયનો પણ આભાર માન્યો હતો.

બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનને છઈમાં અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. કિંગ ખાનને આ અવૉર્ડ તેના યોગદાન તથા ગ્લોબલ આઇકન તરીકે આપવામાં આવ્યો છે. ૧૧ નવેમ્બરના રોજ શાહરુખ ખાને છઈના એક્સપો સેન્ટરમાં હાજરી આપી હતી. અહીં શારજાહ ઇન્ટરનેશનલ બુક ફેર ૨૦૨૨ના ૪૧મી એડિશનમાં ગ્લોબલ આઇકન ઑફ સિનેમા એન્ડ કલ્ચરલ નેરેટિવ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ઇવેન્ટ દરમિયાન શાહરુખે મીડિયાના સવાલોના જવાબ પણ આપ્યા હતા. જ્યારે શાહરુખને પૂછવામાં આવ્યું કે તેના પેરેન્ટ્સ તેની અચીવમેન્ટ જોઈને શું કહેત? જવાબમાં એક્ટરે કહ્યું હતું, ’મને લાગે છે કે મારી અમ્મી સૌ પહેલા મને જોઈને કહેત કે તું ઘણો જ પાતળો થઈ ગયો છે. થોડું વજન વધાર. તારું મોં કેવું થઈ ગયું છે, તારા ગાલ બેસી ગયા છે.’

શાહરુખ ખાને વધુમાં કહ્યું હતું, ’મને લાગે છે કે મારા અચીવમેન્ટ પર પેરેન્ટ્સ બહુ જ ખુશ થાત. જો હું વાસ્તવમાં આને અચીવમેન્ટ કહું તો મને લાગે છે કે આ તમામ વસ્તુઓ આપણે કરવી જોઈએ અને જીવવી જોઈએ. હું એમ માનું છું કે મેં જે રીતે ત્રણેય બાળકને મોટા કર્યા એ જોઈને પેરેન્ટ્સને ગર્વ થાત. મારા પેરેન્ટ્સ આ જોઈને ખુશ થાત.’