લંડન,
દુનિયામાં હાલ કોરોના નાબૂદ થઈ રહ્યો છે પરંતુ આ મહામારી દરમિયાન દુનિયાભરના દેશોએ કોરોનાથી બચવા માટે માસ્ક, પીપીઈ કિટ, હાથમોજા અને એપ્રન જેવા તબીબી સામાન ખરીદવાના ઓર્ડર આપી દેવાયા હતા. આ કડીમાં બ્રિટીશ સરકારને પણ પીપીઈ કિટ ખરીદવાના સોદામાં અબજો ડોલરનું નુક્સાન થઈ રહ્યું છે.
જાણકારી મુજબ બ્રિટીશ સરકારને ચીનથી પીપીઈ કિટની ખરીદીમાં ૧૦ અબજ ડોલરનું નુક્સાન ઉઠાવવું પડયું છે. આ સિવાય લગભગ ૨૬ કરોડ રૂપિયામાં ખરીદાયેલા ૩૭ લાખ પ્લાસ્ટીકના એપ્રન અને ૬.૪૪ કરોડ માસ્કને એક ઓનલાઈન હરાજીમાં માત્ર ૫૦ હજારમાં જ વેચવામાં આવેલા. બ્રિટનની સરકારે પીપીઈ કિટનો સોદો તો કરી લીધો હતો પણ બે હજારથી વધુ કિટ ચીનથી આવી જ નહોતી. તેનું એક કારણ એ હતું કે તેની જરૂરત જ નહોતી પડી. પીપીઈ કિટના કારણે બ્રિટનને લગભગ ૧૦.૧ અબજ ડોલરનું નુકશાન ભોગવવું પડયું હતું. જો કે અનુમાન તો એ પણ લગાવવામાં આવે છે કે નુક્સાનીની આ રકમ મોટી પણ હોઈ શકે છે.
હરાજી કરનારી બ્રિટનની રામકોએ એ ખુલાસો નથી કર્યો કે પીપીઈની વાસ્તવિક કિંમત કેટલી હતી. તેની હરાજી એટલા માટે જરૂરી હતી. કારણ કે કિટને સ્ટોરમાં રાખવા માટે પણ બ્રિટીશ સરકારે ચીનને ભારે રકમ ચૂકવવી પડતી હતી. ગત વર્ષે બ્રિટને ચીનમાં પીપીઈ કિટના સ્ટોરેજ માટે લગભગ દોઢ અબજ ખર્ચ કરવા પડયા હતા. બ્રિટનમાં આ વર્ષે જુલાઈ સુધીમાં લગભગ ૭૦ લાખ કોરોના વેક્સીનના ડોઝ બરબાદ થઈ ગયા હતા. જુલાઈ સુધીમાં વેક્સીનના લગભગ ૯,૪૬,૫૨૫ ડોઝ નષ્ટ કરાયા હતા.