કાબુલ,
અફઘાનિસ્તાનના સ્પિન બોલ્ડક જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વાતાવરણ તંગ છે. જે વચ્ચે સોમવારની વહેલી સવારે પાકિસ્તાન અને તાલિબાન સેના વચ્ચે સશ ઘર્ષણના અહેવાલ સામે આવી રહ્યા છે. તાલિબાની સેનાના કંધાર પ્રાંતને અડીને આવેલા સ્પિન બોલ્ડક-ચમક બોર્ડર પાકિસ્તાનમાં હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ૪ લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે. આ ઉપરાંત આ હુમલામાં ૨૦ લોકો ઘાયલ થયા છે.
હુમલામાં ઘાયલ થયેલા લોકોને ચમનની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચમન-સ્પિન બોલ્ડક ક્રોસિંગ અફઘાનિસ્તાનના કંધાર શહેરથી આશરે ૧૦૦ કિમી દક્ષિણપૂર્વમાં અને કોઇટા, પાકિસ્તાનના ઉત્તરપશ્ર્ચિમમાં આશરે ૧૦૦ કિમી દૂર છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો મોટાભાગનો વેપાર સ્પિન બોલ્ડક-ચમન બોર્ડર દ્વારા થાય છે. આ માર્ગ દ્વારા અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના બંદરો પર દાડમ, સૂકો મેવો, કાર્પેટ વગેરેનો માલ મોકલવામાં આવે છે. અહીંથી આ માલ વિશ્ર્વના વિવિધ દેશોમાં જાય છે. આ સિવાય મોટી સંખ્યામાં અફઘાન નાગરિકો પણ દરરોજ આ સરહદ પાર કરીને પાકિસ્તાન જાય છે.
આ અગાઉ પણ બોલ્ડક-ચમન ક્રોસિંગ પર બંને પક્ષો વચ્ચે સરહદ અથડામણમાં એક પાકિસ્તાની સરહદ રક્ષકનું મોત થયું હતું. હાલમાં ચમનની હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. પાકિસ્તાન સેનાએ પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે. હાલમાં સરહદ પારથી વેપાર અને લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની સેનાને ડર છે કે, તાલિબાન લડવૈયાઓ ફરીથી હુમલો કરી શકે છે.