મુંબઇ,
ડૉ. બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા જ્યોતિબા ફુલે અંગે કથિત ટિપ્પણી બાદ ગઈકાલ શનિવારે મહારાષ્ટ્રના પુણેના પિંપરીમાં, મહારાષ્ટ્રના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ચંદ્રકાંત પાટીલ પર શાહી ફેંકવામાં આવી હતી. પિંપરી ચિંચવડ પોલીસે, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ચંદ્રકાંત પાટીલ પર શાહી ફેંકવાની ઘટનાને લઈને સાત પોલીસ કોન્સ્ટેબલ અને ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે શાહી ફેંકવાના મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
પિંપરી ચિંચવડ પોલીસ કમિશનર અંકુશ શિંદેએ જણાવ્યું હતું કે પોલીસે, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન પાટીલ પર શાહી ફેંકનાર વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધો છે અને વધુ તપાસ ચાલુ છે. આ ઘટનાના વીડિયોમાં એક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ચંદ્રકાંત પાટીલ પર શાહી ફેંક્તો દેખાય છે. જ્યારે તે પિંપરી ચિંચવાડમાં બિલ્ડિંગમાંથી બહાર નીકળી રહ્યા હતા. પરંતુ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ચંદ્રકાંત પાટીલની સુરક્ષામાં તહેનાત સુરક્ષાકર્મીઓએ યુવકને તરત જ પકડી લીધો હતો. શનિવારે રાત્રે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ચંદ્રકાંત પાટીલે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ આવા હુમલાથી ડરતા નથી. આ પ્રકારના બનાવની તમામ વિપક્ષી નેતાઓએ નિંદા કરવી જોઈએ. તેમણે કહ્યું કે, મારા નિવેદનને ખોટી રીતે મૂલવવામાં આવ્યું છે. તેમણે ભાજપના કાર્યર્ક્તાઓને મહારાષ્ટ્ર રાજ્યના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેની સૂચનાઓનું અનુસરવા અને કાયદાને પોતાના હાથમાં ના લેવાની અપીલ કરી હતી.
શુક્રવારે ઔરંગાબાદમાં એક કાર્યક્રમમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન પાટીલે મરાઠીમાં સંબોધન કરતા કહ્યું હતું કે, આંબેડકર અને ફુલેએ શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવા માટે સરકારી અનુદાનની માંગ કરી નહોતી. તેઓએ લોકોને શાળા અને કોલેજો શરૂ કરવા માટે ભંડોળ એકઠુ કરવા વિનંતી કરી હતી. ભિક્ષા શબ્દના ઉચ્ચારને લઈને આ સમગ્ર વિવાદ સર્જાયો હતો.
પોતાના નિવેદનને લઈને વધી રહેલા વિવાદને જોઈને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ચંદ્રકાંત પાટીલે માફી માંગી લીધી છે. પાટીલે કહ્યું કે, જેમની લાગણીઓને ઠેસ પહોંચી છે તેમની સમક્ષ હાથ જોડીને માફી માંગુ છું. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ફડણવીસના મત અનુસાર ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન પાટીલે જે કહ્યું તેને યોગ્ય અર્થમાં સમજવું જોઈતું હતું. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન પાટીલ એવુ કહેવા માંગતા હતા કે બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા ફુલેએ બનાવેલી શૈક્ષણિક સંસ્થાઓ માટે સરકાર તરફથી ગ્રાન્ટ નથી મળી. તેમના કહેવાના ઉદ્દેશ્યને સમજ્યા વિના માત્ર એક શબ્દ પકડીને વિવાદ ઉભો કરવો ખરાબ છે.