નવીદિલ્હી,
ભારતીયો તેમની ભારતની નાગરિક્તા છોડી રહ્યા છે અને અન્ય દેશોમાં સ્થાયી થઈ રહ્યા છે. આ અંગે સરકારે સંસદમાં ચોંકાવનારો આંકડો રજૂ કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ૨૦૧૧થી અત્યાર સુધીમાં ૧.૬ મિલિયન એટલે કે ૧૬ લાખ લોકોએ ભારતીય નાગરિક્તા છોડી દીધી છે. આ વર્ષે ૩૧ ઓક્ટોબર સુધીમાં ૧,૮૩,૭૪૧ ભારતીયોએ તેમની નાગરિક્તાનો ત્યાગ કર્યો છે. લોક્સભામાં વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને આ માહિતી આપી હતી. કોંગ્રેસના સાંસદ દ્વારા ૨૦૧૫થી કેટલા ભારતીયોએ તેમની નાગરિક્તા છોડી દીધી છે તે અંગે પૂછવામાં આવતા મંત્રીએ છેલ્લા આઠ વર્ષના આંકડા રજૂ કર્યા.
વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને કહ્યું કે, ૨૦૧૫માં ૧૩૧,૪૮૯ ભારતીયોએ તેમની નાગરિક્તા છોડી દીધી હતી. આ સિવાય ૨૦૧૬માં ૧૪૧,૬૦૩, ૨૦૧૭માં ૧૩૩,૦૪૯, ૨૦૧૮માં ૧૩૪,૫૬૧, કોરોના મહામારી પહેલા ૨૦૧૯માં ૧૪૪,૦૧૭ ભારતીયો વિદેશ ગયા હતા. આ પછી, ૨૦૨૦માં, ૮૬,૨૫૬ ભારતીયોએ તેમની નાગરિક્તા છોડી દીધી. તે જ સમયે, રોગચાળાના અંત પછી, ૨૦૨૧માં, આ આંકડો ૧.૫ લાખને વટાવી ગયો અને ૧,૬૩,૩૭૦ પર પહોંચી ગયો. હવે ૨૦૨૨માં, ઓક્ટોબર મહિના સુધી, ૧,૮૩,૭૪૧ ભારતીયો દેશ છોડી ગયા છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૨૦૧૧માં આ આંકડો ૧,૨૨,૮૧૯, ૨૦૧૨માં ૧૨૦,૯૨૩, ૨૦૧૩માં ૧૩૧,૪૦૫ અને ૨૦૧૪માં ૧૨૯,૩૨૮ હતો. જો મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડાઓ ઉમેરીએ તો ખબર પડે છે કે ૨૦૧૧થી અત્યાર સુધીમાં ૧.૬ મિલિયન એટલે કે ૧૬ લાખ ભારતીયોએ તેમની નાગરિક્તા છોડી દીધી છે અને વિદેશમાં સ્થાયી થયા છે. કોંગ્રેસ સાંસદે એ પણ પૂછ્યું હતું કે, વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોએ દેશમાંથી કેટલા પૈસા લીધા છે, મંત્રીએ કહ્યું કે, મંત્રાલય પાસે તેના આંકડા નથી.
વિદેશ રાજ્યમંત્રી મુરલીધરને એ પણ માહિતી આપી હતી કે, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના નાગરિકો સિવાયના ૨૦૧૫માં ૯૩, ૨૦૧૬માં ૧૫૩, ૨૦૧૭માં ૧૭૫, ૨૦૧૮માં ૧૨૯, ૨૦૧૯માં ૧૧૩, ૨૦૨૦માં ૨૭, ૨૦૨૧માં ૪૨ અને ૨૦૨૨માં માત્ર ૬૦ વિદેશી નાગરિકો એ ભારતની નાગરિક્તા મેળવી હતી. આ દરમિયાન, ભાજપના સાંસદ રાહુલ કાસવાન દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં, વિદેશ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, હજારો ભારતીયો છે જેઓ વિદેશની જેલમાં બંધ છે અને સજા કાપી રહ્યા છે.