દારૂ વેચીને આવક કમાવવી એ લોહી ચૂસવા જેવું છે: ઉમા ભારતીનું સરકાર પર નિશાન

  • પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી રાજ્યમાં દારૂબંધી અને નશાબંધી અંગે અવાજ ઉઠાવી રહ્યા છે.

ભોપાલ,

મધ્યપ્રદેશ ના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી રાજ્યમાં દારૂબંધી અને નશાબંધી અંગે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે દારૂ વેચીને આવક મેળવીને સરકાર ચલાવવી યોગ્ય નથી. ઉમાએ કહ્યું કે આ એક માતા પોતાના પુત્રનું લોહી ચૂસીને પોતાનું જીવન જીવે એના જેવું છે. ઉમા ભારતી એક કાર્યક્રમમાં હાજરી આપવા નરસિંહપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે લોકો સાથે ચર્ચા કરતા મધ્યપ્રદેશ ની વર્તમાન સરકારની ટીકા કરી હતી.

ઉમા ભારતીએ કહ્યું કે હવે સમાજમાં ભૂખે મરનારા લોકો નથી, કારણ કે દરેકને ભોજન મળવા લાગ્યું છે, પરંતુ આર્થિક અસમાનતા છે. બાળકોને ભણાવું છે પણ સરકારી શાળાઓમાં ભણતર મળતું નથી. ગરીબોને હોસ્પિટલમાં સારવાર કરાવવી હોય તો હોસ્પિટલોમાં સારવાર મળતી નથી. લોકો ખાનગી હોસ્પિટલનો ખર્ચ ઉઠાવી શક્તા નથી. તેણીએ એમ પણ કહ્યું કે હું આને મોટો અન્યાય માનું છું. આ દરમિયાન ઉમા ભારતીએ દારૂની નીતિ વિશે વાત કરતા કહ્યું કે, દારૂ વેચીને આવક મેળવીને સરકાર ચલાવવી એ ખોટું છે.

તેમણે એમ પણ કહ્યું કે સરકાર ટૂંક સમયમાં દારૂ વિતરણ વ્યવસ્થામાં સુધારો કરશે, કારણ કે યુવા પેઢી નશામાં બરબાદ થઈ રહી છે અને મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રીએ પણ મને ગેરકાયદેસર દારૂનું વેચાણ રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવાનું વચન આપ્યું છે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે સિસ્ટમ એવી હોવી જોઈએ કે લોકો ઓછામાં ઓછો દારૂ પીવે, જેથી તેમનું જીવનધોરણ સુધરે અને સારું બને.

ઉમા ભારતીએ અગાઉ જાહેરાત કરેલી છે કે તે બે મહિનાથી વધારે સમય મધ્યપ્રદેશ માં ભ્રમણ કરશે અને આ દરમિયાન તે પોતાના ઘરે પણ નહીં જશે. ઉમાએ કહ્યું હતું કે, ૭ નવેમ્બર દેવદિવાળીથી ૧૪ જાન્યુઆરી ૨૦૨૩ મકર સંક્રાતિ સુધી પોતાની સહયોગી મહિલાઓ સાથે રાજ્યભરમાં ફરશે.

ઉમાએ કહ્યું હતું કે દેશભરમાં દારૂની વિતરણ વ્યવસ્થા વિસંગતતાઓનો શિકાર છે. રાજ્યનો વિષય હોવાથી રાજ્યો તેના પર પોતાની નીતિઓ બનાવે છે. કેટલીકવાર તેઓ જાહેર હિત અને જાહેર લાગણીઓને અવગણે છે. ઉમા ભારતીએ કહ્યું હતું કે માત્ર મધ્યપ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર દેશના તમામ નાગરિકો ભાજપ પાસેથી અપેક્ષા રાખે છે કે ભાજપ, પાર્ટી સ્તરે જ દારૂ અંગે જનહિતકારી નીતિ બનાવે. જે રાજ્યોમાં ભાજપની સરકાર છે, ત્યાં તે નીતિ પ્રમાણે ચાલવાના નિર્દેશો આપવા જોઈએ.

ઉમા ભારતીએ કહ્યું હતું કે અમારી પાર્ટી ધાર્મિક લોકોની પાર્ટી છે, કોઈપણ ધાર્મિક સ્થળની નજીક, શાળા, કોલેજ, હોસ્પિટલ, કોર્ટ, મજૂર વસાહતની નજીક, દૂર દૂર સુધી દારૂની દુકાન ન હોવી જોઈએ. હજારો શરાબીઓને જાહેરમાં દારૂ પીને ખુલ્લા રસ્તા પર ચાલવાની તક આપવી એ આપણા જ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન છે. દારૂની ખરાબ અસરને કારણે મહિલાઓનું સન્માન, ગરીબોની રોજગારી અને યુવાનોનું ભવિષ્ય પ્રભાવિત થઈ રહ્યું છે.