નવીદિલ્હી,
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના સુપડાં સાફ કરી નાંખ્યા છે અને કોંગ્રેસને કુલ ૧૮૨ બેઠકોમાંથી ૧૭ બેઠકો મળી છે. વર્ષ ૨૦૧૭માં ૭૭ બેઠકો મેળવનાર કોંગ્રેસનું પ્રદર્શન આ વખતે સાવ કંગાળ રહ્યું છે. ગામડાઓ અને આદિવાસી વિસ્તારો કોંગ્રેસના ગઢ ગણાતા હતા પરંતુ, ભાજપે આ બેઠકો પણ છીનવી લીધી છે. ગુજરાતમાં કોગ્રેસની શરમજનક હારના કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરીમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ચૂંટણીમાં હાર પછી દર વખતે ઈવીએમનું કારણ આગળ ધરી દેનાર કોંગ્રેસે આ વખતે ઈવીએમના નામનો હોબાળો કર્યો નથી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેની હાર માટે રાજ્યના નેતૃત્વને જવાબદાર ઠેરવતા, કોંગ્રેસે શુક્રવારે જણાવ્યું હતું કે ચૂંટણીનું પ્રદર્શન ’અત્યંત નિરાશાજનક’ રહ્યું છે અને સ્થાનિક નેતૃત્વ પર કઠોર નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે એમ પણ કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય નેતાઓ ભલે ગમે તેટલો પ્રચાર કરે, પરંતુ આખરે લોકો સ્થાનિક નેતૃત્વને જોઈને જ નિર્ણય લેતા હોય છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે એવો પણ દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસની લડાઈ ભારતીય જનતા પાર્ટી તેમજ એઆઇએમઆઇએમ અને આમ આદમી પાર્ટી સાથે પણ હતી. તેમણે કહ્યું, ગુજરાતના ચૂંટણી પરિણામો અત્યંત નિરાશાજનક છે. અમને આની અપેક્ષા ન હતી. ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કોઈ સ્પર્ધા નહોતી. અહીં એક તરફ ભાજપ અને એઆઇએમઆઇએમનું ગઠબંધન હતું અને બીજી તરફ કોંગ્રેસ હતી.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોની સંસ્થાઓ ભાજપને મદદ કરવામાં લાગેલી હતી. અમે ફરિયાદ કરી હતી, પરંતુ કોઇ પગલાં લેવાયા નહોતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની જોડી પણ ગુજરાતમાં લાગેલી હતી. આચાર સંહિતાનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું.
જયરામે કહ્યું કે, આ વખતે અમારો વોટ શેર ૨૭ ટકા રહ્યો. જે ૪૦ ટકાથી ઘટીને આટલો નીચે આવ્યો. ૪૦ ટકા સુધી વોટ શેર પહોંચી શકે તેમ હતો. તેમણે કહ્યું કે, અમે કોઇ બહાના નથી બનાવી રહ્યા. આ આત્મચિંતન કરવાનો સમય છે, એકજૂટ થવાનો સમય છે.નવું નેતૃત્વ લાવવાનો સમય છે. તેમણે કહ્યું કે હવે સ્થાનિક નેતાઓને લઇને કઠોર નિર્ણય લેવા પડશે, કારણકે પ્રચાર અભિયાન પ્રદેશ નેતાગીરીએ ચલાવ્યું હતું.
ભારત જોડો યાત્રાના સવાલ પર જયરામ રમેશે કહ્યું હતું કે આ યાત્રા અલગ છે અને ચૂંટણી અલગ વાત છે. કેન્દ્ર ગમે તેટલો પ્રચાર કરે, પરંતુ લોકો સ્થાનિક નેતાને ઓળખીને વોટ આપતા હોય છે.