
- ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકો વચ્ચે તમામ પ્રકારના જાતીય સંબંધો અપરાધ.
નવીદિલ્હી,
ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે પોસ્કો એક્ટ હેઠળ ’સંમતિની વય મર્યાદા’ પર પુનવચાર કરવાનું કહ્યું છે. સીજેઆઇએ પોસ્કો એક્ટના દાયરામાં સહમતિથી પ્રણય સંબંધના કેસોને સામેલ કરવા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, વિધાનસભાએ વર્ષ ૨૦૧૨માં અમલમાં આવેલા કાયદા હેઠળ નિર્ધારિત સંમતિની ઉંમર પર વિચાર કરવો જોઈએ. પોસ્કો એક્ટ હેઠળ સંમતિની વય મર્યાદા ૧૮ વર્ષ નક્કી કરવામાં આવી છે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરના સંબંધો આ કડક કાયદાના દાયરામાં આવે છે પછી ભલે આવા સંબંધો પરસ્પર સંમતિથી બનાવવામાં આવ્યા હોય.
પોસ્કો એક્ટ પર આયોજિત એક કાર્યક્રમમાં સીજેઆઇ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે આ કાયદા હેઠળ નક્કી કરેલી સંમતિની ઉંમર પર ફરીથી વિચાર કરવાની વાત કરી હતી. સીજેઆઇએ કહ્યું કે, ’તમે જાણો છો કે પોસ્કો એક્ટ હેઠળ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકો વચ્ચે તમામ પ્રકારના જાતીય સંબંધો અપરાધ છે પછી ભલે આવા સંબંધો સગીરોની સંમતિથી બનેલા હોય. આ એટલા માટે છે કારણ કે, કાયદાની ધારણા છે કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ વચ્ચે કાયદાકીય અર્થમાં કોઈ સંમતિ નથી. એક ન્યાયાધીશ તરીકે મેં જોયું છે કે, આવા કેસ ન્યાયાધીશો માટે મુશ્કેલ પ્રશ્ર્નો ઉભા કરે છે. આ મુદ્દે ચિંતા વધી રહી છે. વધુ સારા સંશોધનના આધારે વિધાનસભાએ આ મુદ્દા પર વિચાર કરવો જોઈએ.
થોડા દિવસો અગાઉ મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે, અદાલત કિશોર સંબંધો સાથે સંબંધિત કેસોને યોગ્ય રીતે નિપટવા માટે કાયદામાં સુધારાની રાહ જોઈ રહી છે. આવી સ્થિતિમાં સીજેઆઇ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આ ટિપ્પણી ઘણી મહત્વની બની જાય છે. મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાના થોડા દિવસો બાદ તમિલનાડુના પોલીસ મહાનિર્દેશકે એક પરિપત્ર બહાર પાડીને પોલીસ અધિકારીઓને પોસ્કો એક્ટ હેઠળ નોંધાયેલા કેસોમાં યુવકોની ધરપકડ કરવામાં ઉતાવળ ન કરવા નિર્દેશ આપ્યો હતો. આવા ઘણા કિસ્સાઓ પોસ્કો કેસમાં સામેલ છે જેમાં પરસ્પર સહમતિથી બનેલા પ્રેમ સંબંધો સામેલ છે.