ભૂપેન્દ્ર પટેલ સરકાર ૨.૦ / ૭ પાટીદાર જ્યારે ૬ ઓબીસી ધારાસભ્ય મંત્રી બની શકે છે

આજે બપોરે ૧૨:૩૯ વાગ્યે નવી સરકારનો શપથગ્રહણ સમારોહ

દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને યોજાયેલી મહત્વની બેઠકમાં ભાગ લઈને ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ ગુજરાત પરત આવ્યા છે. આવતીકાલે ભૂપેન્દ્ર પટેલની સાથે મંત્રીમંડળ પણ શપથ લેશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે બપોરે ૧૨:૩૯ વાગ્યે નવી સરકારનો શપથગ્રહણ સમારોહ યોજવા જઈ રહ્યો છે. જેમાં વિજય મુહૂર્તમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લશે. તેમની સાથે જ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ શપથ લેશે. શપથગ્રહણ સમારોહમાં ૨૨થી ૨૫ મંત્રીઓ શપથ લેશે.

આ અંગે વિગતવાર વાત કરીએ તો ગઈકાલે ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળે ધારાસભ્ય દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી હતી. ધારાસભ્ય દળની બેઠક બાદ ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી હતી અને સરકાર રચવાનો દાવો કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાના બે દિવસ બાદ સરકાર રચવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલે ભૂપેન્દ્ર પટેલને આગામી સોમવારે બપોરે ૨ વાગ્યે શપથ ગ્રહણ માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ દિલ્હી જવા રવાના થયા હતા. શનિવારે સાંજે દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ગુજરાતમાં સરકારની રચના અને સંભવિત મંત્રીઓના નામ મુદ્દે બેઠક યોજાઈ હતી. સાંજે ૫:૩૦ કલાકે શરૂ થયેલી આ બેઠકમાં ગુજરાતની આગામી સરકારને લગતા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત ઘણા મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં જ મંત્રીઓના નામની યાદી પર મહોર લગાવી દેવામાં આવી હતી. મોવડી મંડળ સાથે બેઠક કરીને ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ ગુજરાત પરત ફર્યા હતા.

આવતીકાલે બપોરે ૧૨:૩૯ વાગ્યે નવી સરકારનો શપથગ્રહણ સમારોહ યોજશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓ શપથ લેશે. શપથગ્રહણ સમારોહમાં ૨૨થી ૨૫ મંત્રીઓ શપથ લેશે. જોકે, કોણ કોણ શપથ લેશે તેઓના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. પસંદ કરાયેલા મંત્રીઓને પ્રદેશ કાર્યાલયમાંથી ફોન કરીને જાણ કરાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ૨૨થી ૨૫ મંત્રીઓને સ્થાન મળી શકે છે. મંત્રીમંડળની રચના જ્ઞાતિવાદ સમીકરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવી શકે છે. ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ૭ પાટીદાર અને ૩ મહિલાઓને સ્થાન મળી શકે છે. આ ઉપરાંત ૩ એસસી, ૪ એસટી, ૬ ઓબીસી, ૧ બ્રાહ્મણ, ૧ ક્ષત્રિય અને ૧ જૈન ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.