
ઢાકા,
બાંગ્લાદેશમાં વર્ષ ૨૦૨૪માં સામાન્ય ચૂંટણી છે. મુખ્ય વિરોધ પક્ષ બીએનપીના હજારો સમર્થકોએ રાજધાનીમાં એક વિશાળ રેલી યોજી વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની અને સામાન્ય ચૂંટણીઓ યોજવાની માંગ કરી હતી. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી ૧૪ વર્ષથી સત્તાથી દૂર છે. સત્તામાં પાછા ફરવા માટે પાર્ટીએ ગોલાબાગ મેદાનમાં વિશાળ રેલી યોજી હતી.
હસીનાની આગેવાની હેઠળની સરકારના વિરોધમાં બીએનપીના સાત સાંસદોએ તેમના રાજીનામાની જાહેરાત કરી હતી. રેલીના સ્થળ ઢાકાના ગોલાપબાગ વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. રાજધાની ઢાકા શહેરના પૂર્વ ભાગમાં પાર્ટીના નેતાઓએ રેલીને સંબોધી હતી. આ દરમિયાન પાર્ટીના કાર્યકરોએ શેખ હસીના વોટ ચોર હૈના નારા લગાવ્યા હતા. રેલી દરમિયાન રાજધાનીના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજધાની ઢાકામાં પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે તેઓએ રેલી સ્થળની આસપાસ અનેક સ્તરની સુરક્ષા ગોઠવી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, રેલીની આસપાસના નયા પલ્ટન વિસ્તારમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. આ સંઘર્ષમાં મકબૂલ હુસૈન નામના વ્યક્તિનું મોત થયું હતું. બાદમાં બીએનપીના ૧,૦૦૦ થી વધુ કાર્યકરો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. અને પાર્ટીના મહાસચિવ મિર્ઝા ફખરૂલ ઇસ્લામ આલમગીર સહિત ઘણા વરિષ્ઠ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.
આર્મ્ડ પોલીસ બટાલિયન, રેપિડ એક્શન બટાલિયન, અંસાર, ઢાકા મેટ્રોપોલિટન પોલીસ અને અન્ય સંસ્થાઓના ગુપ્તચર કર્મચારીઓ સહિત લગભગ ૩૦,૦૦૦ અધિકારીઓ ફરજ પર છે. પોલીસ અને ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને હિંસા અને નુક્સાનની તમામ કૃત્યોને સમાપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બીએનપી સાંસદ રુમિન ફરહાનાએ રેલીમાં કહ્યું, “અમે પાર્ટીના નિર્ણય મુજબ સાંસદ બન્યા, પરંતુ હવે રહેવા કે છોડવામાં કોઈ ફરક નથી.” અમે અમારું રાજીનામું (સંસદ સચિવાલયને) પહેલેથી જ ઈમેલ કરી દીધું છે. તેમણે વર્તમાન સરકારને નિરંકુશ ગણાવી હતી.
ફરહાનાએ કહ્યું કે હું સરકારની ગતિવિધિઓના વિરોધમાં રાજીનામું આપી રહી છું. તેમણે કહ્યું કે તેમના છ સાથી બીએનપી સાંસદો પોતે સ્પીકરના કાર્યાલયમાં તેમના રાજીનામા સબમિટ કરશે. પોલીસે રેલી પહેલા વિવિધ આરોપો હેઠળ મહાસચિવ મિર્ઝા ફખરુલ ઈસ્લામ આલમગીર સહિત અનેક વરિષ્ઠ નેતાઓ અને સેંકડો કાર્યકરોની ધરપકડ કરી હતી.