દાહોદ,
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે દાવા પેટે આપેલ નાણાંની લેવડ દેવડ મામલે મધ્યપ્રદેશના ત્રણ ઈસમોએ છોટા હાથી લોડીંગ ટેમ્પામાં એકનું અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા. 09મી ડિસેમ્બરના રોજ મધ્યપ્રદેશના કાળીયા પીટોલ ગામે રહેતાં નરેશભાઈ જોગડાભાઈ મેડા તથા તેમની સાથેના અન્ય બે જેટલા ઈસમો દાહોદ જિલ્લામાં આવ્યાં હતાં અને ગરબાડા તાલુકાના બાંવકા ગામે નાનીનાડ ફળિયામાં રહેતાં નરેશભાઈ હિરકાભાઈ અમલીયાર પાસે આવ્યાં હતાં અને અમારે કતવારા ગામેથી અભલોડ ગામે જનરેટર મશીન લાવવાનું છે, તેમ કહી રૂા. 600માં ભાડુ નક્કી કરી નરેશભાઈને તેમના છોટા હાથી લોડીંગ ટેમ્પાની સાથે લઈ જેસાવાડા મુકામેથી નરેશભાઈનું ઉપરોક્ત ત્રણેય ઈસમોએ અપહરણ કરી લઈ નાસી ગયાં હતાં અને નરેશભાઈના ભાઈ કાળુભાઈને કહેલ કે, અમારા દાવા પેટે આપેલ રૂા. 2,10,000 આપી જાઓ અને તમારા ભાઈને છોડાવી લઈ જાઓ, તેમ કહી એકબીજાની મદદગારી કરી નરેશભાઈનું અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે કાળુભાઈ હિરકાભાઈ અમલીયારે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.