દે.બારીઆ,
દે.બારીઆ તાલુકાના બૈણા ગામે ખેતીવાડીનો વીજ પ્રવાહ બંધ રહેતા ખેડુતોને પાણી વગર ખેતીમાં નુકસાન થાય તેમ અનેક રજુઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતાં ખેડુતો ચિંતિત બન્યા છે.
ગત ચોમાસાની સીઝનમાં સમયસર વરસાદ નહિ થતાં ખેડુતોને મોટુ નુકસાન થયુ છે. ખેડુતો ચોમાસાની ખોટની કસર શિયાળાની ખેતીમાં કાઢવા માટે હાલમાં જોતરાયા છે. કુવા, બોર, નદી-નાળા તેમજ કયાંક સિંચાઈના પાણીથી અહિંના ખેડુતો ખેતી કરે છે. હાલમાં બૈણા ગામના વચલા ફળિયામાં હાલ એજીની લાઈન એટલે કે ખેતીવાડીની લાઈનમાં ફોલ્ટ થતાં ત્યાંના ખેડુતો દ્વારા વીજ કંપનીને અનેક રજુઆતો કરવા છતાં પણ અહિં વીજપ્રવાહ હજુ સુધી ચાલુ કરવામાં આવ્યો નથી. આ વીજ લાઈન ઉપરથી 15 જેટલા વીજ ગ્રાહકોની હાલત કફોડી બની છે. વીજ પ્રવાહ વગર પાણીની મોટરો ચાલુ ન થતાં ખેતરોમાં પાણી કેવી રીતે મુકવુ જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. હાલ ખેતરોમાં રહેલો પાક પીળો પડી કયાંક સુકાવા લાગ્યો છે. આ વીજ લાઈનનુ સમારકામ વહેલી તકે હાથદારી વીજપ્રવાહ શરૂ કરવામાં આવે તેવી ખેડુતોની માંગ ઉઠવા પામી છે.