દાહોદ જિલ્લામાં ભાજપે ક્લીન સ્વીપ કરી ૬ બેઠકો મેળવી છે.ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાતી ત્રણ બેઠકો પર કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત કેમ થઇ ગયો તે જાણવું રસપ્રદ છે. કોંગ્રેસને મરણતોલ ફટકો પડ્યો છે ત્યારે ગામડાંઓમાં પણ મતદારોને હવે કોંગ્રેસનો વિકલ્પ મળી જતાં કોંગ્રેસે આ ચુંટણીમાં બધુ જ ગુમાવવાનો વારો આવ્યો હોય તેમ લાગી રહ્યુ છે.
દાહોદ બેઠક પર કેટલાકને કદ પ્રમાણે વેતરવા જતાં પોતે જ કદ પ્રમાણે વેતરાઇ ગયાદાહોદ બેઠક પર છેલ્લા ૧૫ વર્ષથી કોંગ્રેસનો કબ્જો હતો. જે બેઠક ભાજપે ૨૯,૦૦૦ કરતાં વધુ મતોની જંગી લીડથી જીતી લીધી છે. આ બેઠક પર કોંગ્રેસના કેટલાક નેતાઓને પોતાના હાથના કર્યા હૈયે વાગ્યા છે.કારણ કે એકને કદ પ્રમાણે વેતરવા માટે જેનો ઉપયોગ કર્યો તેમણે જ તેવા નેતાઓને પણ કદ પ્રમાણે વેતરી નાખ્યા. પરિણામે ત્રણ ટર્મથી ચુંટાતા ધારાસભ્યની ટિકીટ કપાઇ ગઇ. બીજી તરફ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાજપામાં જોડાઇ જતાં કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસ રણીધણી વગરની થઇ ગઇ છે. ટિકીટ કપાતાં સ્વાભાવિક રીતે જ તેમના જૂથના કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી ગઇ અને કેટલાક પ્રખર આયોજનકર્તાઓએ પણ કહેવા પુરતી કામગીરી કરતાં આખીયે વિધાનસભામાં કોંગ્રેસ કોઇ વ્યુહરચના ઘડી શકી નહી.બીજી તરફ ભાજપના ગત વખતના જ હારી ગયેલા ઉમેદવારને રીપીટ કર્યા હતા અને તેમણે ૨૦૧૭ની ચુંટણી હાર્યા પછી બીજા જ દિવસથી મતવિસ્તાર ખુંદવાનું શરુ કરી દીધુ હતુ. તેવા સમયે ભાજપે તેમને જ એટલે કે કનૈયાલાલ કિશોરીને જ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની કમાન સોંપતા ૨૦ વર્ષ પછી દાહોદ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો હતો અને વિસ્તારની ૬ માંથી ૪ જિલ્લા પંચાયતની બેઠકો પણ જીતી જતાં ગામડાઓમાં ભાજપ મજબુત બની ગઇ હતી. તે ટીમ વર્કનો ફાયદો ભાજપને થયો અને કોંગ્રેસને પોતાનો જ કકળાટ નડતાં આખોયે કિલ્લો કડડભુસ થઇ ગયો છે.અધુરામાં પુરુ આમ આદમી પાર્ટીએ રહી સહી કસર પુરી કરી દેતાં કોંગ્રેસને માત્ર ૨૬ ટકા મત મળ્યા છે જે ભાજપ કરતા ૧૮ ટકા ઓછા છે.
ગરબાડામાં ભાજપાની રણનિતી અને આપમાં મતોના ધ્રુવીકરણે કોંગ્રેસને રોડ પર લાવી દીધીગરબાડા બેઠક પણ કોંગ્રેસની પેઢી ગણાતી હતી.અહીં સતત ત્રણ ટર્મથી કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ચુંટાતા હતા જેમની સામે આ વખતે એન્ટીઇન્કમ્બન્સી પણ હતી.ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવાર ૩૩ હજાર મત મેળવ્યા છે જે કોંગ્રેસ કરતાં ૧૦૦૦ જેટલા જ ઓછા છે.બીજી તરફ ભાજપે ગરબાડા તાલુકામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ બહુમતીથી જીતી લીધી હતી.ઉમેદવારનું નામ ભાજપ જાહેર કરે તે પહેલાં જ જીલ્લા પંચાયતના અપક્ષ ચુંટાયેલા સભ્ય અને તેમની સાથેના તાલુકા પંચાયતના ત્રણ અપક્ષ સભ્યોને ભાજપે ભગવા પહેરાવી દઇ શાણપણ દેખાડ્યુ હતુ.આ જિલ્લા પંચાયત વિસ્તારમાં જ ભાજપે ગૃહ મંત્રી અમિત શાહની ચુંટણી સભા ગોઠવી દેતાં માહોલ જામી ગયો હતો.ભાજપના ગત વખતના જ ઉમેદવારને રિપીટ કર્યા હતા પરંતુ ગત વખતે સહેજમાં રહી ગયેલા ભાજપાના મોવડીઓએ આ વખતે કોઇ કસર રાખી ન હતી. ભાજપે કેટલાક રણનિતીકારોને બેઠકની ખાસ જવાબદારી સોંપતા છેવટે કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઇ ગઇ છે.આ બેઠક પર પણ ભાજપે કોંગ્રેસ કરતાં ૧૯ ટકા મત વધુ મેળવ્યા છે.
ઝાલોદમાં કોંગ્રેસને હાથના કર્યા જ હૈયે વાગતાં ત્રીજા નંબરે ધકેલાઇ ગઇતેવી જ રીતે ઝાલોદ બેઠક પણ કોંગ્રેસનો મજબુત ગઢ ગણાય છે.૨૦૧૨માં આ બેઠક કોંગ્રેસે ૪૦ હજાર મતથી જીતી હતી. ત્યાર બાદ ૨૦૧૭માં ધારાસભ્ય સામે પ્રચંડ વિરોધ થતાં તેમને પડતાં મુકી આગલી રાતે કોંગ્રેસમાં આવેલા ભાજપાના પૂર્વ સાંસદના પુત્ર ભાવેશ કટારાને કોંગ્રેસે ટીકીટ આપી દીધી હતી.તેમ છતાં તેઓ ૨૫ હજાર મતથી વિજેતા થયા હતા.બીજી તરફ તેઓ આ વખતે તેમની ઘરવાપસી થઇ જતાં કોંગ્રેસને ફટકો પડ્યો હતો.તેમ છતાં કોંગ્રેસે ૨૦૧૨ બાદ ફરીથી ડો.મિતેશ ગરાસીયાને ઉમેદવાર બનાવતાં તાલુકાના કોંગ્રેસીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ઉમેદવાર બદલવા માંગ કરી હતી પરંતુ તેમ ન થતાં તેઓ નિષ્ક્રિય થઇ ગયા હતા.પરિણામે કોંગ્રેસ હરિફાઇમાંથી બહાર ફેંકાઇ ગઇ હતી અને ભાજપાની સીધી સ્પર્ધા આપ સાથે થઇ હતી અને કોંગ્રેસ ત્રીજા નંબરે ધકેલાઇ ગઇ છે અને કોંગેસને ફક્ત ૧૩.૬૭ ટકા જ મત મળ્યા છે.