મુંબઈ,
રાજ્યમાં શિંદે-ફડણવીસ સરકારના પ્રધાનમંડળના વિસ્તરણને દિલ્હીથી હજી સુધી લીલી ઝંડી મળી નથી. આને કારણે શિયાળુ સત્ર પછી જ પ્રધાનમંડળનું વિસ્તરણ થાય એવી શક્યતા છે. ખરેખર તો પ્રધાનપદાને બાંધીને બેસેલી એકનાથ શિંદેની બાળાસાહેબની શિવસેના અને ભાજપ એમ બંને પક્ષોના ઉતાવળિયા વિધાનસભ્યોની અવસ્થા વધુ વિકટ થઇ ગઇ છે. આને કારણે આ વિધાનસભ્યો અને અન્ય નારાજ પ્રધાનો થોભી જાય એ માટે મહામંડળની નિમણૂક બાબતે હિલચાલને ગતિ આપવામાં આવી છે. જોકે પ્રધાનમંડળના વિસ્તરણની સાથે જ મહામંડળની નિયુક્તિનો નિર્ણય પણ અધિવેશન પછી જ લેવામાં આવે એવું ચર્ચાઇ રહ્યું છે. શિંદે જૂથના પ્રધાનોમાં નારાજગી ફેલાઇ હોવાને કારણે તેમનામાંના એકને મહામંડળનું અયક્ષપદ સોંપવામાં આવે એવી શક્યતા છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત બાવનકુળેની એક મહત્ત્વની બેઠક હાલમાં જ મુંબઈમાં થઇ હતી. આ બેઠકમાં મહામંડળની ફાળવણી અંગે ચર્ચા થઇ હોઇ નવી ફોર્મ્યુલા ઠરાવવામાં આવશે, એવી માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી હતી. આ બેઠકમાં શિંદે જૂથની સરખામણીમાં ભાજપને વધુ મહામંડળો આપવામાં આવવાની હોવાની માહિતી પણ જાહેર થાય એવી શક્યતા છે. આગામી શિયાળુ સત્ર બાદ આ નિયુક્તિ જાહેર થાય એવી શક્યતા હોવાથી નારાજ પ્રધાનને મહામંડળનું અધ્યક્ષપદ આપીને તેમની નારાજગી દૂર કરવાનો પ્રયાસ શિંદે સરકાર તરફથી કરવામાં આવી રહ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
આ બેઠકમાં રાજ્યનાં ૧૨૦ મહામંડળની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવે એવું પણ કહેવાઇ રહ્યું છે. બે તબક્કામાં મહામંડળના અયક્ષની જાહેરાત કરવામાં આવશે, એવી માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી હતી. આમાં પહેલા તબક્કામાં ૬૦ મહામંડળની જાહેરાત કરવામાં આવશે, જેમાં ભાજપના ૩૬ અને શિંદે જૂથના ફાળે ૨૪ મહામંડળ આવશે, એવી માહિતી પણ સામે આવી હતી.