મુંબઈ,
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) દ્વારા મની લૉન્ડરિંગના કેસમાં પકડાયેલા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેને ગઈ કાલે દિલ્હી હાઈ કોર્ટે જામીન આપ્યા હતા.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) દ્વારા નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ના અધિકારીઓના ફોન-ટૅપિંગના મામલામાં તપાસ કરવામાં આવી હતી. એમાં સંજય પાંડે, તેમની કંપની આઇસેક સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય આરોપીઓ દ્વારા ૨૦૦૯થી ૨૦૧૭ દરમ્યાન એનએસઈની એમટીએનએલની લાઇન ઇન્ટરસેપ્ટ કરી એનએસઈના અધિકારીઓના ફોન ટૅપ કરવામાં આવ્યા હતા. તપાસ દરમ્યાન જણાઈ આવ્યું હતું કે આઇસેક સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડે એ માટે કન્સર્ન ઑથોરિટી પાસેથી મંજૂરી લીધી નહોતી અને એનએસઈના અધિકારીઓને આ બાબતે જણાવ્યું પણ નહોતું કે તેમની મંજૂરી લેવાઈ નહોતી. તેમની જાણ બહાર જ એ ફોન ટૅપ કરાયા હતા.
એથી સીબીઆઇએ ઈડીને આ બાબતે ફરિયાદ કરી હતી. એના આધારે ઈડીએ તેમની, તેમની કંપની તથા અન્ય સામે ભારતીય દંડસંહિતાની વિવિધ કલમો સહિત ઇન્ડિયન ટેલિગ્રાફ ઍક્ટ અને કરપ્શન ઍક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ૧૯ જુલાઈએ ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેમને જેલ-કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
સંજય પાંડેએ આ પહેલાં ટ્રાયલ કોર્ટમાં ઑગસ્ટ મહિનામાં જામીનની અરજી કરી હતી જે ટ્રાયલ કોર્ટે ફગાવી દીધી હતી.