જેતપુરમાં પત્ની સાથે આડાસંબંધની શંકાએ યુવકે મિત્રને છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી

રાજકોટ,

છેલ્લા બે મહિનામાં શહેરમાં પાંચ-પાંચ હત્યાના બનાવો બનવા પામ્યા છે.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ક્રાઇમનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં શહેરમાં પાંચ-પાંચ હત્યાના બનાવો બનવા પામ્યા છે. નજીવી બાબતમાં હત્યા જેવો ગંભીર અપરાધ થતો હોવાનું તમામ બનાવોમાં સામે આવ્યું છે. શહેરમાં ફરી એકવાર જાહેરમાં હત્યા થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યાં ગુરુવારે રબારીકા રોડ પર પત્ની સાથે આડાસંબંધની શંકાએ એક યુવકે તેના જ મિત્રની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. જોકે સરાજાહેર હત્યાનો બનાવ બનતાં ચકચાર મચી જવા પામ્યો છે.

જાહેરમાં બનેલી આ ઘટનામાં લોકો મૃતકની મદદે આવે એ પહેલાં હત્યારો આડેધડ છરીના ઘા ઝીંકી ત્યાંથી બાળકોને સાથે લઇને ફરાર થઇ ગયો હતો. હત્યાનો બનાવ દુકાનના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળનું પંચનામું કરી મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો તેમજ જરૂરી કાર્યવાહી હાથ ધરી હત્યારાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ અંગે મૃતકનાં બહેને જેતપુર તાલુકા પોલીસમાં દાખલ કરેલી ફરિયાદ અનુસાર તેમનો નાનો ભાઈ દેવાભાઈ (ઉં.વ.૪૫) ડીઝલ રિક્ષા ચલાવતા હતા. દેવાભાઇ સવારના આશરે નવેક વાગ્યે રિક્ષા લઇને ગયેલા. એ વખતે તેની સાથે તેનો મિત્ર ઇમરાન ઉર્ફે ઇલ્યાસ અમીન શેખ હતો. મારો ભાઇ બપોરના ઘરે જમવા આવ્યો નહિ. ત્યાર બાદ સાંજના આશરે સાડાચારેક વાગ્યે મને પાડોશમાંથી જાણવા મળ્યું કે દેવાભાઇ સાથે તેનો મિત્ર ઇમરાન ઉર્ફે ઇલ્યાસ રબારીકા ચોકડી નજીક આશરે ચારેક વાગ્યે ઝગડો કરી દેવાભાઈને છરીના આડેધડ ઘા મારી દીધા છે, જેથી હું અને દેવાભાઈની દીકરી ખુશી ત્યાં જવા માટે નીકળ્યા ત્યારે જાણવા મળ્યું કે મારા ભાઇને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે તેના શરીરે પડખાના ભાગે તથા છાતીના ભાગે, હાથમાં તથા પગમાં છરીથી માર મારેલાં નિશાન હતાં. મને જાણવા મળ્યું કે મારો ભાઇ ત્યાં તેના મિત્ર સોહિલ કરિમભાઇ પઠાણ સાથે રબારીકા ચોકડી નજીક બેઠેલો હતો. ત્યારે ઇમરાન ઉર્ફે ઇલ્યાસે ત્યાં જઇ મારા ભાઇને છરીના આડેધડ ઘા મારી દીધા હતા. આ હત્યા પાછળનું કારણ એવું છે કે ઇમરાન ઉર્ફે ઈલ્યાસ મારા ભાઈનો મિત્ર હોવાથી તે અવારનવાર તેના ઘરે બેસવા જતો. ઈલ્યાસની પત્ની સાથે દેવાભાઈને આડાસંબંધ હશે તેવી શંકાએ દેવાભાઈ સાથે બોલાચાલી અને ઝઘડો કરી તેની હત્યા નીપજાવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરના રામૈયા હનુમાન મંદિર નજીક રહેતો અને છકડો રિક્ષા ચલાવતો દેવાભાઈ સીદાભાઈ રાઠોડ (ઉં.વ. ૪૫) નામનો રબારી યુવાન રબારીકા રોડ પર આવેલી એક વેલ્ડિંગની દુકાને પોતાની છકડો રિક્ષાનું રિપેરિંગ કરાવતો હતો. ત્યારે બાળકો સાથે બાઇક પર સવાર અજાણ્યો યુવાન ધસી આવ્યો હતો અને દેવાભાઇ પરિસ્થિતિ પારખે એ પહેલાં તેના પર છરીથી હુમલો કર્યો હતો. આ ફરિયાદને આધારે જેતપુર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી