ભોપાલ,
મધ્યપ્રદેશ હાઈકોર્ટે રાજ્યની ખરગાપુર વિધાનસભા સીટથી ભાજપના ધારાસભ્ય અને ઉમા ભારતીના ભત્રીજા રાહુલ સિંહ લોઘીની ચૂંટણી રદ કરી દીધી છે. જસ્ટિક નંદિતા દુબેની સિંગલ જજની બેન્ચે ગત મહિને પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે રાહુલ સિંહ લોઘીનું ઉમેદવારી ફોર્મ સ્વીકાર કરનાર ચૂંટણી અધિકારી સામે આકરી કાર્યવાહી કરવી જોઈએ.
આ આદેશ હાઈકોર્ટે પોતાની વેબસાઇટ પર અપલોડ કર્યો છે. રાહુલ સિંહ લોઘી મધ્યપ્રદેશની ટીકમગઢ જિલ્લાની ખરગાપુર સીટથી વર્ષ ૨૦૧૮માં ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. કોર્ટે રાહુલ સિંહ લોઘીને ઉમેદવારી ફોર્મમાં ખોટી માહિતી આપવાના દોષિત ઠેરવ્યા બાદ આ આદેશ આપ્યો છે. રાહુલ સિંહ લોઘી મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીના મોટા ભાઈ હરવલસિંહ લોઘીનો પુત્ર છે.
હાઈકોર્ટે ચૂંટણી રદ કરવાની સાથે લોઘીને મળી રહેલા વિધાનસભા સભ્ય તરીકેના તમામ લાભો તાત્કાલિક ખત્મ કરવા આદેશ કર્યો છે.ખરગાપુરથી કોંગ્રેસની ટિકિટ પર પરાજિત ઉમેદવાર ચંદાસિંહે રાહુલ સિંહની ચૂંટણીને જનપ્રતિનિધિત્વ કાયદા સંબંધી જોગવાઈ હેઠળ પડકારી હતી.અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપના ધારાસભ્યનું ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા નિયમ વિરુદ્ધ સ્વીકારવામાં આવ્યું છે. આ ઉપરાંત, અરર્જીક્તાએ રાહુલ સિંહ લોઘી પર સરકારથી સંબંધિત એક ખાનગી કોન્ટ્રાક્ટ કંપનીથી ભાગીદારી છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. અરર્જીક્તાના વકીલ રાજમણિ મિશ્રાએ કહ્યું કે કોર્ટે અરર્જીક્તાના પક્ષમાં બંને મુદ્દા સ્વીકારી લીધા છે. તેમણે કહ્યું કે આ આદેશ ૯મી નવેમ્બરે સંભળાવ્યો હતો.