બીજીંગ,
ચીનની બનાવેલી કોરોના વેક્સિન ચીન જ નહીં પરંતુ દુનિયાના ઘણા દેશો માટે ભારરૂપ સાબિત થઈ રહી છે. કોરોના દરમિયાન ચીને મોડર્ના અને ફાઇઝરની વેક્સિન વિષે બહુ જ અફવાઓ ફેલાવીને પોતાની સીનોવેક વેક્સિન બનાવીને તેને પ્રમોટ કર્યું હતું. પરંતુ તે હાલ કોરોના પર બેઅસર સાબિત થઈ રહી છે જેને લીધે દુનિયાભરના લોકો માટે એક સમસ્યા ઊભી થઈ છે.
રિસર્ચ અનુસાર એમઆરએનએ વેક્સિન શરીરની કોશિકાઓને પ્રોટીન કેવી રીતે બનાવવું તે શીખવાડે છે જે એન્ટી-બોડી બનાવવામાં મદદરૂપ થાય છે. પરંતુ ચીનના વેક્સિન નિર્માતાઓ ટી-સેલ વેક્સિન બનાવતા હતા જે ઘાતક વાયરસથી સુરક્ષિત કરવામાં અસમર્થ હતી. તુર્કી જેવા દેશે પણ ચીનની આ જ વેક્સિનનો વપરાશ કર્યો હતો પરંતુ ચીનની નકલી વેક્સિન વિષે જાણ થતાં જ તેના ઉપયોગ પર રોક લગાવી દીધી હતી. ઈન્ડોનેશિયા ની સાથે સાથે થાઈલેન્ડે પણ ચીની વેક્સિનના વપરાશ પર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ મલેશિયાએ પણ જાહેરાત કરી છે કે તેઓ ચીની વેક્સિનને બદલે ફાઇઝરની વેક્સિનનો વપરાશ કરશે.
પોતાની બનાવેલી વેક્સિનનો વ્યાપ વધારવા માટે ચીને ડેટા સાથે છેડછાડ કરી હતી. પરંતુ પોતાના જ દેશમાં કોરોના મહામારીને લીધે થયેલા મૃત્યુના આંકડા ઉત્તરોત્તર વધતાં અને તેની પોતાની બનાવેલી વેક્સિન જ કારગત ન નીવડતા તેની પોલ ખુલ્લી પડી જવા પામી હતી. જેને કારણે વિશ્ર્વસ્તર પર તેની ખરડાયેલી છબી વધુ ખરાબ થઈ છે.