શહેરા,
શહેરામાં જમીનોના ભાવ આસમાને પહોંચતા અમુક બિન ખેડૂત હોવા છતાં ખેતીની જમીન વસાવી હોવાનું ચર્ચાઇ રહયું છે. ત્યારે મામલતદાર સહિતના સબંધિત તંત્ર દ્વારા આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરીને બિનખેડૂત હોવા છતાં ખેતીની જમીન વસાવી હોય તેવા બોગસ ખેડૂતોને શોધી કાઢીને કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી.
શહેરામાં વધતી જતી મોંઘવારી વચ્ચે જમીનોના ભાવ પણ હવે લાખ્ખો અને કરોડો રૂપિયામાં બોલાઇ રહયા છે. તાલુકાના વિસ્તારમાં ઘણા બધા લોકો ખેતી લાયક જગ્યા વધુ ખરીદી કરતા જોવા મળી રહયા હતા. નગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં અમુક બિનખેડૂત હોવા છતાં ખેતીની જમીન ખેડૂત બનીને વસાવી હોવાની ચર્ચાએ જોર પકડયુ છે. ત્યારે મામલતદાર કચેરી સહિત અન્ય સંબંધિત તંત્ર દ્વારા ખેતીની જમીન વસાવી હોય તેવા બોગસ ખેડૂતોને શોધી કાઢીને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી. હાલની પરિસ્થિતિમાં અનેક લોકો ખેતીની જમીન ખરીદી કરવાનું વધુ પસંદ કરતા હોય ત્યારે સ્થાનિક અને જિલ્લાના પ્રશાસન દ્વારા ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લેવામાં આવે તે પણ જરૂરી બન્યુ છે. જે રીતે બિનખેડૂત એ ખેતીની જમીન વસાવી હોય ભલે હાલ ચર્ચાનો મુદ્દો લોકોમાં બન્યો હોય પણ જો સંબંધિત તંત્ર આ બાબતે ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવેતો અમુક બોગસ ખેડૂતોના નામ બહાર આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.