![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2022/12/download-34-5.jpg)
મૈનપુરી,
ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં પેટા ચૂંટણી વચ્ચે યાદવ પરિવારમાં ચાલ્યા આવતા લાંબા વિવાદનો સુખદ અંત આવ્યો છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના નેતા અને અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવે એક મંચ પર આવવાની જાહેરાત કરી છે. પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીનો સમાજવાદી પાર્ટીમાં વિલય કરાશે.
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવના અવસાન બાદ મૈનપુરી લોક્સભા સીટ પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં અખિલેશ યાદવના પત્ની ડિંપલ યાદવ જંગી બહુમતીથી જીત મેળવી છે. ડિંપલ યાદવે અહીં મોટી જીત મેળવવા સાથે પરિવારને એક કર્યો છે.
અખિલેશ યાદવ અને ચાચા શિવપાલ યાદવે મીડિયા સાથે વાત કરતા વિલયની જાહેરાત કરી હતી. મૈનપુરી પેટા ચૂંટણીમાં નિર્ણાયક લીડ બાદ અખિલેશ યાદવ મુલાયમસિંહની સમાધિ પર પહોંચ્યા હતા અને મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી તેઓ શિવપાલ સિંહ યાદવ પાસે પહોંચ્યા અને કાકા શિવપાલ સિંહ યાદવના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. અહીં શિવપાલ યાદવે કહ્યું કે, અત્યારે પણ નેતાજીનો ચાર્મ અકબંધ છે અને રહેશે. મૈનપુરીની જીત પર શિવપાલ સિંહ યાદવે કહ્યું કે, તમામ મંત્રી પ્રચાર માટે આવ્યા હતા. તેણે પહેલા અધિકારીઓ પાસેથી મત માંગ્યા. કેસ દાખલ કરવામાં આવ્યા, હેરાન કરવામાં આવ્યા. આ પછી પણ જનતાએ નેતાજીના નામ પર અને તેમના દ્વારા કરેલા કાર્યો પર મત આપીને અમને વિજય અપાવ્યો છે. અહીં શિવપાલ યાદવે એ પણ કહ્યું કે, આજથી અમે એક છીએ, અમે યોગ્ય સમયની રાહ જોતા હતા, આજથી અમારી ગાડી પર સમાજવાદી પાર્ટીનો ઝંડો ફરકાવવામાં આવશે. સપાના સારા પ્રદર્શન બાદ શિવપાલ યાદવ સપાના આશ્રયદાતાની સમાધિ સ્થળ પર ગયા અને ત્યાં તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ટ્વીટ કર્યું કે, આ જીત નેતાજીના આશીર્વાદ અને આદર્શોની છે.