![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2022/12/bhupendra-patel-cabinet.webp)
- દેવા માલમને સૌથી ઓછી લીડ, કાંકરેજના કીર્તી વાઘેલા હાર્યા;
અમદાવાદ,
ગુજરાત વિધાનસભા ચૂંટણીના ચોંકાવનારાં પરિણામો આવ્યાં છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના ૨૦ મંત્રીમાંથી ૧૯ મંત્રી જીતી ગયા છે. મોટા ભાગનું મંત્રીમંડળ જીતી ગયું હોય એવું કદાચ પહેલીવાર બન્યું હશે. જિતુ વાઘાણી, જિતુભાઈ ચૌધરી અને દેવાભાઈ માલમ શરૂઆતના તબક્કામાં પાછળ ચાલી રહ્યા હતા, પણ મતગણતરી આગળ વધતી ગઈ એમ એમ તમામ મંત્રીઓ જીત તરફ આગળ વધતા ગયા. જ્યારે વીસનગર બેઠક પર ૠષિકેશ પટેલ પહેલેથી પાછળ ચાલી રહ્યા હતા.
ઓગસ્ટ-૨૦૨૧માં ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોરદાર હલચલ જોવા મળી હતી. રાજ્યમાં નવા મુખ્યમંત્રીને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ હતી. કમલમમાં બેઠકોનો દૌર ચાલી રહ્યો હતો અને કયું નામ સામે આવે છે તેની રાહ જોવામાં આવી રહી હતી ત્યારે કેન્દ્રથી બે નેતા નરેન્દ્ર સિંહ તોમર અને તરુણ ચુગ નિરીક્ષક તરીકે ગુજરાતમાં આવ્યા હતા.
કમલમમાં તમામ ધારાસભ્યોને બોલાવી લેવામાં આવ્યા. વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત હતા અને નવા મુખ્યમંત્રી તરીકે કોણ આવશે એના પર સૌની મીટ મંડાયેલી હતી. કમલમમાં જે ઓડિટોરિયમમાં મીટિંગ હતી ત્યાં છેક પાછળ ભૂપેન્દ્ર પટેલ બેઠા હતા. તેમને સહેજ પણ ખ્યાલ નહોતો અને મુખ્યમંત્રી તરીકે તેમના નામની ઘોષણા કરવામાં આવશે. સવારે તેઓ બોપલમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગયા હતા અને સાંજે મુખ્યમંત્રી બની ગયા. પછી તો વિજય રૂપાણીના તમામ મંત્રીઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા અને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નવા ધારાસભ્યોને સ્થાન મળ્યું.
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં જે-જે મંત્રીઓ આવ્યા તેમણે વાયદા કર્યા, પૂરા ન થયા. કોઈ મંત્રીએ અચાનક ક્યાંક તપાસ કરી તો કોઈએ આકરા નિર્ણયો લીધા અને પક્ષને જવાબ આપવો અઘરો પડે તેવા નિવેદનો પણ આપ્યા. આ બધા વચ્ચે મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતાં લઈ લેવામાં આવ્યાં. આ રીતે પટેલની સરકારના મંત્રીઓ વિવાદમાં પણ રહ્યા.
ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારમાં ૨૫ મંત્રી હતા અને તેમાંથી પાંચ મંત્રીની ટિકિટ કાપી નાખવામાં આવી, જેમાં રાજેન્દ્ર ત્રિવેદી, અરવિંદ રૈયાણી, પ્રદીપ પરમાર, બ્રિજેશ મેરજા અને સુરતની મહુવા સીટના ધારાસભ્ય અને મંત્રી રાઘવ મકવાણાની ટિકિટ કાપી નાખવામાં આવી. ૨૦૨૨માં ૨૦ મંત્રીને ફરીવાર ટિકિટ આપવામાં આવી હતી.
વિજય રૂપાણીની સરકારમાં જેમ કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) આયાતી મંત્રીઓ હતા એવી રીતે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બ્રિજેશ મેરજા અને જિતુભાઈ ચૌધરી આયાતી મંત્રીઓ હતા. આ બંને ૨૦૧૭માં કોંગ્રેસમાંથી જીત્યા હતા અને પક્ષ બદલીને બંને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. ૨૦૨૦માં થયેલી પેટાચૂંટણીમાં બ્રિજેશ મેરજા મોરબીથી અને વલસાડના કપરડાથી જિતુભાઈ ચૌધરી ભાજપમાંથી લડ્યા અને જીતી ગયા હતા. પછી બંને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી બન્યા. ભૂપેન્દ્ર પટેલ એ વખતે સૌથી વધારે ૧,૧૭,૭૫૦ મતથી જીત્યા હતા, જ્યારે કોંગ્રેસમાંથી જિતુભાઈ ચૌધરી માંડ ૧૭૦ મતથી જીત્યા હતા. એટલે સૌથી વધારે માજનથી જીતેલા મુખ્યમંત્રી હતા તો સૌથી ઓછા માજનથી જીતેલા આ જ સરકારમાં મંત્રી હતા.