અમદાવાદ,
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, કારણ કે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે રસાક્સીનો જંગ જામ્યો હતો. એવામાં આ વખતની ચૂંટણીમાં ઓવૈસીની એઆઇએમઆઇએમ પાર્ટી દ્વારા ૧૩ ઉમેદવાર સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું જે પૈકી ૨ ઉમેદવારો હિન્દુ હતા. આજે રિઝલ્ટ જાહેર થતાં એઆઇએમઆઇએમ પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હોય તેવો માહોલ સર્જાયો છે. ગુજરાતમાં એકપણ સીટ પર જીત મેળવી નથી.
માંડવી બેઠક પર એડવોકેટ મહમદ ઇકબાલ માંજાળિયા, ભુજ બેઠક પર સકીલ મહમદ, સુરત પૂર્વ બેઠક પર વસીમ ઇકબાલ ખોકર, ખંભાળિયા બેઠક પર બુખારી યાકુબ મોહમ્મદ, માંગરોળ બેઠક પર સુલેમાન પટેલ, લિંબાયત બેઠક પર અબ્દુલ બશીર શેખ, ગોધરા બેઠક પર હસન શબ્બીર કાચબા, વેજલપુર બેઠક પર ઝૈનબ શેખ, દરિયાપુર બેઠક પર હસનખાન સમશેરખાન પઠાણ, જમાલપુર-ખાડિયા બેઠક પર સાબીર કાબલીવાલા, દાણીલીમડા બેઠક પર કૌશિકાબહેન પરમાર, વડગામ બેઠક પર કલ્પેશ સુંધીયા અને સિદ્ધપુર બેઠક પર અબ્બાસ મોહમ્મદશરીફ નોડસોલાને ટિકિટ આપી હતી.
પહેલીવાર પૂરી તૈયારીઓ સાથે એઆઇએમઆઇએમએ વિધાનસભા ચૂંટણીમાં ૧૪ બેઠક પર ઉમેદવાર ઉતાર્યા હતા, જેમાં બે હિન્દુ અને ૧૨ મુસ્લિમને ટિકિટ આપી હતી. જોકે એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું હતું. આ ૧૪ બેઠકમાંથી કોંગ્રેસ પાસે ૮ અને ભાજપ પાસે ૬ સીટ હતી. એઆઇએમઆઇએમની એન્ટ્રીથી આ તમામ સીટોનાં સમીકરણો પલટાઈ શકે હતી, પરંતુ ગોધરા બાદ અમદાવાદમાં પણ મુસ્લિમ વોટરમાં ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમ સામે નારજગી જોવા મળી રહી હતી. આ પાછળનું કારણ એવું હતું કે ગત વર્ષે યોજાયેલી ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં એઆઇએમઆઇએમએ સાત બેઠક જીતી હતી અને ભાજપને સત્તાથી દૂર રાખવા માટે અપક્ષો સાથે ગઠબંધન કર્યું હતું. ઓવૈસીની પાર્ટીના સમર્થનથી અપક્ષ સંજય સોની ફેબ્રુઆરી ૨૦૨૧માં નગરપાલિકાના અધ્યક્ષ બન્યા હતા, પરંતુ ગયા વર્ષે નવેમ્બરમાં ભાજપનું સમર્થન મળતાં તેમણે એઆઇએમઆઇએમ છોડી દીધી હતી. ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ મુસ્લિમ વોટર્સમાં એવું ચર્ચાઈ રહ્યું હતું કે એઆઇએમઆઇએમ માત્ર મતોનું વિભાજન કરવા ચૂંટણી લડી રહી હતી, જેનો સીધો ફાયદો આખરે ભાજપને થશે. એને લઈને મુસ્લિમ મતદારો દ્વારા અમદાવાદના શાહપુર મિલ કમ્પાઉન્ડમાં કાળા વાવટા બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો અને ઓવૈસી AIMIM ના નારા લગાવ્યા હતા. આ સાથે ઓવૈસી AIMIM નાં બોર્ડ લાગ્યાં હતા. જોકે આ અગાઉ પણ ગોધરામાં ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમનો આ પ્રકારે જ વિરોધ કરવામાં આવ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલાં એઆઇએમઆઇએમ પાર્ટીના સંયોજક અને ગુજરાત હાઇકોર્ટના વકીલ કે. આર કોષ્ટિએ પત્રકાર પરિષદ કરી પ્રમુખ સાબીરભાઈ કાબલીવાલા પર આક્ષેપ લગાવ્યા હતા કે સાબીરભાઈને ભાજપ પ્રત્યે સોટ કોર્નર છે અને તેઓ અઠવાડિયામાં ત્રણ વખત અસદુદ્દીન ઔવેસી સાથે વાત કરે છે, પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે દિવસમાં ત્રણ વખત વાત કરે છે. એઆઇએમઆઇએમ પક્ષની વિચારધારા મુસ્લિમોની નેતાગીરી ઊભી કરવાની છે, પરંતુ જે રીતે સાબીર કાબલીવાલા કામગીરી જોતાં મુસ્લિમોની નેતાગીરી ઊભી નહીં થાય, પરંતુ મુસ્લિમોના વોટના સોદા થવાની શક્યતા છે.