ઈરાનમાં ૫ને મૃત્યુદંડની સજા:હિજાબવિરોધી દેખાવકારો પર સૈનિકોની હત્યાનો આરોપ

ઇરાન,

ઈરાનમાં હિજાબવિરોધી પાંચ પ્રદર્શનકારીઓને મૃત્યુદંડની સજા આપી છે. જ્યુડિશિયરી ડિપાર્ટમેન્ટએ જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ૧૧ લોકોની જેલની સજા ફટકારવામાં આવી છે. આમાંથી ૩ બાળકનો સમાવેશ થાય છે. બે મહિના પહેલાં પેરામિલિટરીના સૈનિક રૂહોલ્લાહ અજામિયનનું દેખાવકારોને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતી વખતે મૃત્યુ થયું હતું. ત્યાર બાદ પોલીસના હાથે હદીસ નજફી નામની મહિલા પ્રદર્શનકારીના મોતના વિરોધમાં આ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. નજફી હિજાબ વિરોધી પ્રદર્શનમાં અગ્રણી હતી.

ઈરાનમાં ૧૬ સપ્ટેમ્બરે મોરાલિટી પોલીસની કસ્ટડીમાં મહસા અમીનીનું મૃત્યુ થયું હતું. હિજાબ ન પહેરવા માટે પોલીસે તેની ધરપકડ કરી હતી. અમીનીના મૃત્યુ પછી હિજાબવિરોધી અને સરકારવિરોધી દેખાવો શરૂ થયા હતા. ૩૦૦ લોકો મૃત્યુ પામ્યા છે અને એ હજુ પણ ચાલુ છે.

કાયદા વિભાગના પ્રવક્તા મસૂદ સેટ્યાશીએ પાંચ મૃત્યુદંડ અને ૧૧ જેલની સજાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે સૈનિકના મોતનો કેસ ૧૧ લોકો પર શરૂ થયો હતો. આ પછી આ કેસમાં વધુ ચાર લોકોનાં નામ જોડાયાં છે. સરકારી વેબસાઇટે સજાની પુષ્ટિ કરી છે, પરંતુ એ જણાવ્યું નથી કે દોષિતને કેટલી સજા કરવામાં આવી છે.

આ ઘટના બની એ દિવસે મહસા અમીનીના મૃત્યુને ૪૦ દિવસ થઈ ગયા હતા. સ્થાનિક પરંપરા અનુસાર, ૪૦મા દિવસે શોકનો દિવસ હોય છે. એ દિવસે ભારે વિરોધપ્રદર્શનો થયાં હતાં. હદીસ નજફી અને સૈનિક પણ આ દિવસે મૃત્યુ પામ્યા હતા. આ લોકોને માત્ર સૈનિકની હત્યાના આરોપમાં દોષિત ઠેરવતાં મૃત્યુદંડની સજા ફટકારી છે.

ઈરાનની કટ્ટરપંથી સરકારે હજુ સુધી એ સ્પષ્ટ નથી કર્યું કે વિરોધપ્રદર્શનમાં કેટલા લોકોનાં મોત થયાં છે. જોકે વર્લ્ડ મીડિયાના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અત્યારસુધીમાં ૩૦૦ લોકોનાં મોત થયાં છે અને લગભગ ૫ હજાર લોકોની ધરપકડ કરાઈ છે. ૧૬ સપ્ટેમ્બરથી શરૂ થયેલો વિરોધ હજુ પણ ચાલુ છે અને સરકાર તેને કચડી નાખવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર, વિરોધીઓથી પરેશાન સરકારે મોરાલિટી પોલીસ વિભાગને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.