નવીદિલ્હી,
સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે.આ સત્રમાં કુલ ૧૭ કામકાજના દિવસો હશે. શિયાળુ સત્ર માટે ભાજપની આગેવાની હેઠળની મોદી સરકારના એજન્ડામાં ૧૬ નવા બિલોનો સમાવેશ થાય છે.
રાજ્યસભામાં પીએમ મોદીએ નવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના વખાણ કર્યાં હતા. મોદીએ કહ્યું કે હું આ ગૃહ અને રાષ્ટ્ર વતી અધ્યક્ષને અભિનંદન આપું છું. તમે સંઘર્ષો વચ્ચે જીવનમાં આગળ વધીને આ સ્થાને પહોંચ્યા છો, તે દેશના ઘણા લોકો માટે પ્રેરણા છે. તમે ગૃહમાં આ મહત્વપૂર્ણ પદ પર કૃપા ઉમેરી રહ્યાં છો. મોદીએ કહ્યું કે અમારા ઉપરાષ્ટ્રપતિ એક ખેડૂતના પુત્ર છે અને તેમણે સૈનિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. આમ તેઓ જવાનો અને ખેડૂતો સાથે ગાઢ રીતે જોડાયેલા છે.
સત્ર પહેલા મીડિયાની સામે મોદીએ કહ્યું કે જ્યારે પણ મેં તમામ સાંસદો સાથે અનૌપચારિક મીટિંગ કરી હતી ત્યારે તેઓ કહેતા હતા કે ગૃહમાં હંગામો થયા બાદ ગૃહ સ્થગિત થઈ જાય છે, જેને કારણે સાંસદોને ઘણું નુક્સાન થયું હશે. યુવા સાંસદ સભ્યોનું કહેવું છે કે ગૃહની કામગીરી ન થવાને કારણે તેઓ જે શીખવા માગે છે તે શીખી શક્તા નથી.