નવીદિલ્હી,
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાકિસ્તાની ટીમને ભારતમાં આયોજિત થઈ રહેલા બ્લાઈન્ડ ક્રિકેટ ટી-૨૦ વર્લ્ડકપ માટેના વિઝાને મંજૂરી આપી દીધી છે. ગૃહ મંત્રાલય તરફથી લીલીઝંડી મળ્યા બાદ વિદેશ મંત્રાલય હવે પાકિસ્તાની ખેલાડીઓ-અધિકારીઓ માટે વિઝા ઈશ્યુ કરશે જેથી ટીમ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારતની યાત્રા કરી શકે.
વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ગૃહ મંત્રાલયે બ્લાઈન્ડ વિશ્ર્વકપમાં ભાગ લેવા માટે ૩૪ પાકિસ્તાની ખેલાડીઓ-સપોટગ સ્ટાફના વિઝા મંજૂર કર્યા છે.
આ પહેલાં પાકિસ્તાન બ્લાઈન્ડ ક્રિકેટ એસોસિએશને દાવો કર્યો હતો કે ટીમને ભારતીય વિદેશ મંત્રાલય તરફથી વિઝા મળ્યા નથી. પાકિસ્તાનનું કહેવું હતું કે આ દૂર્ભાગ્યપૂર્ણ ઘટનાથી પાકિસ્તાનની ટીમ અધરતાલ થઈ ગઈ છે. એવી પૂરી સંભાવના હતી કે આ વખતના વર્લ્ડકપનો ફાઈનલ ભારત-પાકિસ્તાન વચ્ચે થયો હોત અને ફોર્મને જોતા પાકિસ્તાન ચેમ્પિયન બનવાનું પ્રબળ દાવેદાર છે.
ભારતીય બ્લાઈન્ડ ક્રિકેટ એસોસિએશને પાકિસ્તાની ખેલાડીઓને વિઝા આપવા માટે સરકાર પાસે માંગ કરી હતી પરંતુ કોઈનું સાંભળવામાં આવ્યું નહોતું. આ ભેદભાવપૂર્ણ કાર્યવાહીના વિશ્ર્વ બ્લાઈન્ડ ક્રિકેટે ગંભીર પરિણામ ભોગવવા પડશે કેમ કે પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવે તેમ હતી.
ઉલ્લેખનીય છે કે, ત્રીજા બ્લાઈન્ડ ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતે નેપાળને ૨૭૪ રને હરાવીને ટૂર્નામેન્ટમાં વિજયી પ્રારંભ કર્યો છે. ભારતે ૨૦ ઓવરમાં બે વિકેટ ૩૮૨ રન બનાવ્યા હતા જેના જવાબમાં નેપાળની ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૦૮ રન જ બનાવી શકી હતી.