રાજકોટ,
શહેરના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકાની ક્રિકેટ ટીમ વચ્ચે ટી-૨૦ મેચ યોજાશે. ૨૦૨૩ના પ્રથમ સપ્તાહમાં જ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-૨૦ મેચ યોજાશે. ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય મેચ રમાવવા જઈ રહી છે તે સમાચાર સાંભળતા જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટરસીકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
શ્રીલંકાની ક્રિકેટ ટીમ ભારત ખાતે છ જેટલી ઇન્ટરનેશનલ મેચ રમવા આવી રહી છે. જેમાં ત્રણ વન-ડે મેચ, ત્રણ ટી-૨૦ મેચનો સમાવેશ થઈ રહ્યો છે. ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની એક મેચ રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પણ યોજાવવાની છે. જે બાબતની જાહેરાત સત્તાવાર રીતે કરી દેવામાં આવી છે. આગામી સાતમી જાન્યુઆરીના રોજ રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે સાંજના સાત વાગ્યા બાદ ટી-૨૦ મેચ રમાશે.
ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીમાં ચાર ટી-૨૦ મેચ રમાઈ ચૂક્યા છે. જે પૈકી ત્રણ મેચ અત્યાર સુધી ભારત જીતી ચૂક્યું છે. જ્યારે એક મેચમાં ભારતની હાર થઈ હતી. સાથે જ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ બાદ રાજકોટ જામનગર હાઇવે પર બનેલા ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી જુદા-જુદા છ દેશની ક્રિકેટ ટીમ મેચ રમી ચૂક્યું છે, ત્યારે શ્રીલંકાની ક્રિકેટ ટીમ સાતમી એવી વિદેશી ક્રિકેટ ટીમ બનશે કે જે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે મેચ રમશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ મહિના પૂર્વે એશિયા કપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ યોજાયો હતો. ત્યાર બાદ પ્રથમ વખત ભારતની ધરતી પર ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન-ડે અને ત્રણ ટી-૨૦ મેચની સીરીઝ યોજાવવા જઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ ખાતે આવનાર ક્રિકેટ ટીમના ખેલાડીઓને તેમજ ક્રૂ મેમ્બરને હોટલ સયાજી ખાતે ઉતારો આપવામાં આવે છે. જ્યારે કે વિદેશી ટીમને હોટલ ફોર્ચ્યુન ખાતે ઉતારો આપવામાં આવે છે.